વડોદરા : 47 સાક્ષી ફરી ગયા, મૃતદેહ ન મળ્યો છતાં કોર્ટે બીજી પત્ની'ની હત્યાના આરોપમાં પૂર્વ ઇન્સ્પેક્ટરને જેલ કેમ થઈ
વડોદરા ગ્રામ્ય એસઓજીના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. દેસાઈ સામે તેનાં જ 'બીજાં પત્ની' સ્વીટી પટેલની હત્યાના ગુનામાં કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી છે
લેખની માહિતી
લેેખક,ભાર્ગવ પરીખ
પદ,બીબીસી ગુજરાતી માટે
પ્રકાશિત
17 ઓગસ્ટ 2026, 07:35 IST
અપડેટેડ 3 કલાક પહેલા
વાંચવાનો સમય: 5 મિનિટ
ગુરુવારે વડોદરાની એક કોર્ટે તાજેતરમાં એક પૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટરને તેમનાં જ પત્નીની હત્યાના બનાવનાં પાંચ વર્ષ બાદ આજીવન કેદની સજા સંભળાવી છે.
વર્ષ 2021માં બનેલા આ હત્યાના કેસમાં વડોદરા ગ્રામ્યના સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપના ભૂતપૂર્વ પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઈ પોતાનાં 'બીજાં પત્ની' સ્વીટી પટેલની હત્યા કરી મૃતદેહ સગેવગે કરવાના કેસમાં દોષિત પૂરવાર થયા છે.
આ કેસમાં દોષિત પૂર્વ પીઆઇને મૃતદેહ સગેવગે કરવામાં સાથ આપનાર એક સ્થાનિક રાજકીય આગેવાનને પણ કોર્ટે દોષિત ઠેરવીને પાંચ વર્ષની સજા ફટકારી હતી.
વર્ષ 2021ના આ બહુચર્ચિત કેસમાં પોલીસ અધિકારી દેસાઈના મુખ્ય દોષિત સાબિત થવાની સાથે એ વાતની પણ ભારે ચર્ચા છે કે આ કેસમાં કોર્ટમાં મહત્ત્વના સાક્ષીઓનાં નિવેદનો બદલાઈ ગયાં હતાં, છતાં વૈજ્ઞાનિક અને સાંયોગિક પુરાવાના આધારે કોર્ટે દોષિતોને જેલભેગા કરવાનો હુકમ સંભળાવ્યો છે.
બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, વડોદરા, સ્વીટી પટેલ મર્ડર કેસઇમેજ સ્રોત,Bhargav Parikh
ઇમેજ કૅપ્શન,સ્વીટી અને અજયનો એક બે વર્ષનો દીકરો પણ હતો
વર્ષ 2021ના જૂન માસમાં એક બપોરે તત્કાલીન પીઆઇ અજય દેસાઈએ તેમનાં 'બીજાં પત્ની' સ્વીટી પટેલ ક્યાંક ગુમ થઈ ગયાં હોવાના સમાચાર તેના પિયર પક્ષના લોકોને આપ્યા.
સ્વીટી અને અજયનો એક બે વર્ષનો દીકરો પણ હતો. પતિ પોતે પોલીસમાં હોવાથી તપાસ કરશે તેવી વાત સાથે શરૂઆતના થોડા દિવસ આ મામલાની ફરિયાદ પણ ન નોંધાઈ.
જોકે, ઘટનાના છ દિવસ બાદ વડોદરાના કરજણ પોલીસ સ્ટેશનમાં આખરે સ્વીટીના ભાઈએ ફરિયાદ નોંધાવી અને થોડા સમયમાં જ આ કેસની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવાઈ.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન ડીસીપી ચૈતન્ય માંડલિકે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં એ સમયને યાદ કરતાં કહ્યું, "અમારી પાસે કેસ એક મહિના બાદ આવેલો, તેથી તેને ઉકેલવાનું કામ અઘરું હતું. પાડોશીઓ પાસેથી પણ બંને વચ્ચે કોઈ અણબનાવ હોવાના કોઈ પુરાવા ન મળ્યા."

