આજથી સમગ્ર રાજ્યમાં તીવ્ર ગરમીથી રાહત મળવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલથી પાંચ દિવસ એટલે કે આગામી શુક્રવાર સુધી ગરમી ઘટવાની શક્યતા છે. જો કે રાત્રિનું લઘુત્તમ તાપમાન એક બે અંશ સેલ્શયસ જેટલું જ ઘટવાની અને તે 26 અંશ સેલ્શ્યસ સુધી રહેવાની શક્યતા છે, પરંતુ દિવસના તાપમાનમાં પાંચથી છ ડિગ્રી સેલ્શ્યસનો ઘટાડો થશે અને ગરમીથી અંશતઃ રાહત મળશે તેવી સંભાવના છે.
દિવસનું આ ઉષ્ણતામાન ઘટીને 37 થી 40 અંશ સેલ્શ્યસ થવાની આગાહી કરાઈ છે. એક અઠવાડિયા પછી ગરમીનો પારો ફરી ઊંચકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
દરમિયાન આજે કચ્છ અને દિવમાં હીટવેવની આગાહી છે. આજે સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન અમદાવાદ ખાતે નોંધાયું છે. કંડલા એરપોર્ટ, સુરેન્દ્રનગર, ગાંધીનગરમાં 44 ડિગ્રી તો વડોદરા, ડીસા, રાજકોટ અને અમરેલીમાં 43 ડિગ્રી અને ભૂજમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ કાળઝાળ ગરમીના કારણે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બપોરના સમયે રસ્તા સુમસામ બની ગયા હતા અને લોકો ઘરોમાં જ પૂરાઈ રહ્યા હતા. શહેરોમાં પણ વેપારીઓ દુકાનમાં ગ્રાહકો વિના એકલા બેઠેલા જોવા મળતા હતા.