મોરબી:-જિલ્લાના ટંકારા તાલુકાના, ગણેશપર ગામ નજીક રોડ પુરપાટ આવતી અલ્ટો કારે રોડ ક્રોસ કરી રહેલા બાળકને અડફેટમાં લેતા તેનું મોત નીપજ્યું છે. આ મામલે બાળકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ટંકારાના મિતાણા-ગણેશપર રોડ ઉપર આવેલ ફ્રેન્સ પૉલિપેકના કારખાનામાં મજૂરી કરતાં મૂળ ઉત્તર પ્રદેશના વતની જયપ્રકાશ ગોંડેનો 7 વર્ષનો પુત્ર રિતેશ નર્મદા એરવેલમાં પાણી ભરીને રોડ ક્રોસ કરીને કારખાન તરફ આવી રહ્યો હતો.
આ સમયે ગણેશપર ગામ તરફથી પુરપાટ આવતી GJ-18-BG-3087 નંબરની અલ્ટો કારે રિતેશને અડફેટમાં લીધો હતો.
આ અકસ્માતમાં રિતેશને ગંભીર ઈજા પહોંચતાં સૌ પ્રથમ તેને ટંકારા સિવિલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ રિતેશને વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં રિફર કર્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતુ.
હાલ તો આ મામલે મૃત બાળકના પિતાની ફરિયાદના આધારે ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.