મોરબીમાં મોટાભાઈએ નાનાભાઈનું ઢીમ ઢાળી દીધું.

Machhu news morbi
લાઈટ મામલે વાત કરવા જતા અગાઉનો મનદુઃખનો ઝઘડો ઘાતકી બન્યો : મૃતકના પુત્રએ હત્યાની ફરિયાદ નોંધાવતા આરોપી પોલીસની હાથવેતમાં
મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તાર સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગરમાં બે ભાઈઓ વચ્ચે લાઈટ બાબતે વાત કરતી વખતે અગાઉના મકાનના પ્લોટના ભાગ બાબતનો ઝઘડો ઉગ્ર બનતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. જેમાં ખૂંન્નસે ભરાયેલા મોટાભાઈએ છુટા લોખંડના ફરમા તેમજ ઇટોના ઘા ઝીકી અને લાકડાના ઘા મારીને નાના ભાઈની હત્યા કરી નાખી હતી. આ બનાવ અંગે મૃતકના પુત્રએ હત્યાની ફરિયાદ નોંધાવતા આરોપી પોલીસની હાથવેતમાં હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી બી ડિવિઝન પોલીસ મથકેથી હત્યાના બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તાર સોઓરડી પાછળ આવેલ ચામુંડાનગરની મેઈન શેરીમાં રહેતા પ્રકાશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (ઉ.વ.28) એ તેમના ભાઈજી ચામુંડાનગરમાં જ રહેતા અમરશીભાઈ જેઠાભાઈ સોલંકી સામે પોતાના પિતા પ્રેમજીભાઈ જેઠાભાઈ સોલંકીની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના પિતા પ્રેમજીભાઈ જેઠાભાઈ સોલંકી અને આરોપી અમરશીભાઈ જેઠાભાઇ સોલંકી બન્ને સગાભાઈ થતા હોય અને બન્ને ભાઈઓ વચ્ચે મકાનના પ્લોટના ભાગ બાબતે મનદુઃખ ચાલતું હોય ત્યારે લાઈટનું મીટર આરોપી મોટાભાઇ અમરશીભાઈના ઘરમાં હોય તેથી નાનાભાઈ પ્રેમજીભાઈ ગત તા.14ના રોજ મોટાભાઈ અમરશીભાઈના ઘરે ફળિયામાં લાઈટ બાબતે વાત કરવા ગયા હતા. ત્યારે જુના મનદુઃખનો ખાર રાખીને મોટાભાઇ અમરશીભાઈ સોલંકીએ ગાળો બોલી ઉશ્કેરાય જઈને છુટા ઈંટોના ઘા તેમજ લોખડના ફરમાના ઘા અને લાકડાના ઘા નાનાભાઈ પ્રેમજીભાઈના માથામાં અને શરીરે મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આથી ગંભીર હાલતમાં તેઓને સારવાર અર્થે પ્રથમ મોરબી અને રાજકોટ બાદ અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તા.17ના રોજ મોડી રાત્રે ગંભીર રીતે ઘવાયેલા પ્રેમજીભાઈ સોલંકીનું મોત નિપજતા બનાવ હત્યામાં ફેરવાયો હતો. આ બનાવ અંગે પોલીસે આરોપી મોટાભાઇ સામે આઇપીસી કલમ 302, 338 અને 504 મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !