મુંબઈમાં BMW ફ્લાયઓવર પરથી 75 ફૂટ નીચે ખાબકી, મોરબીના યુવાન સહિત 3ના મોત

Machhu news morbi

 

મુંબઈમાં BMW ફ્લાયઓવર પરથી 75 ફૂટ નીચે ખાબકી, મોરબીના યુવાન સહિત 3ના મોત



રવિવારે વહેલી સવારે સર્જાયો ગમખ્વાર અકસ્માત : મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્રએ જીવ ગુમાવ્યો

મોરબી અપડેટ : મુંબઈના કોસ્ટલ રોડ પર રવિવારે વહેલી સવારે લગભગ 5:20 વાગ્યે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મરીન ડ્રાઇવથી હાજી અલી તરફ જઈ રહેલી એક BMW કાર ફ્લાયઓવર પરથી આશરે 75 ફૂટ નીચે ખાબકી હતી. અકસ્માતમાં કારમાં સવાર ત્રણ યુવાનોના મોત થયા હતા, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, BMW કાર ઝડપી ગતિએ જઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. ત્યારબાદ કાર ડિવાઇડર સાથે અથડાઈને ફ્લાયઓવર પરથી નીચે ખાબકી હતી. અકસ્માતની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે.

અકસ્મતમાં મૃત્યુ પામેલા યુવાનોમાં **શનાય ગજ્જલ (ઉ.વ.21), આદિત્ય જાકાસણીયા (ઉ.વ.19) અને ધૈર્ય સેઠ (ઉ.વ.17)**નો સમાવેશ થાય છે. જ્યારે આદિત્ય ઓસવાલ (ઉ.વ.23) ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેની નાયર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ અકસ્માતમાં જીવ ગુમાવનાર આદિત્ય જાકાસણીયા મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સોનલબેન ઘનશ્યામભાઈ જાકાસણીયાનો પુત્ર હતો. ઘનશ્યામભાઈ જાકાસણીયા મૂળ મોરબીના જેતપર ગામના વતની છે. તેઓ બેકબોન નામની કંપની ચલાવે છે, જે રોડ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે સંકળાયેલી છે અને તેની મુખ્ય ઓફિસ અમદાવાદમાં હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી મુજબ, આદિત્ય અમદાવાદમાં રહીને અભ્યાસ કરતો હતો.

અકસ્મત બાદ ચારેય યુવાનોને તાત્કાલિક નાયર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ ત્રણ યુવાનોને મૃત જાહેર કર્યા હતા. એક યુવાનની હાલ ગંભીર સ્થિતિમાં સારવાર ચાલી રહી છે.

પોલીસના જણાવ્યા મુજબ, ચારેય યુવાનો વિદ્યાર્થીઓ હતા. જેમાં શનાય, આદિત્ય અને ધૈર્ય મેનેજમેન્ટ કોલેજમાં અભ્યાસ કરતા હતા. શનાય અમદાવાદનો રહેવાસી હતો અને મુંબઈમાં પીજીમાં રહેતો હતો. પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માતગ્રસ્ત BMW કાર શનાયના પરિવારની હતી.

અકસ્મતની જાણ થતાં જ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફોરેન્સિક ટીમે કારની તપાસ કરી નમૂનાઓ એકત્ર કર્યા હતા. સમગ્ર મામલે પોલીસ દ્વારા અકસ્માતના કારણો અને અન્ય પાસાઓ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !