વાંકાનેરના સરતાનપર નજીક ડમ્પર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લેતા એક યુવાન નું મૉત
પુરપાટ ઝડપે ડમ્પર હંકારી અચાનક વળાંક લેતા આગળ જતી છકડો રીક્ષાને ટક્કર; અકસ્માત બાદ ડમ્પર સ્થળ પર મૂકી ચાલક ફરાર
વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામથી પાનેલી જવાના રસ્તા પર ગત તા. 27ના રોજ રાત્રિના સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે દોડતા ડમ્પર ચાલકે અચાનક ડમ્પરને વળાંક આપતા આગળ જતી છકડો રીક્ષાને હડફેટે લીધી હતી. આ અકસ્માતમાં છકડો રીક્ષા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. મળતી વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક પાવરહાઉસથી પાનેલી ગામ તરફ જતા રસ્તા પર ગત તા. 27ના રોજ રાત્રિના સમયે જીજે-36-વી-9314 નંબરના ડમ્પરના ચાલકે પુરપાટ ઝડપે ડમ્પર હંકારી અચાનક વળાંક લીધો હતો. દરમિયાન આગળ જઈ રહેલી જીજે-03-એક્સ-4952 નંબરની છકડો રીક્ષાને ડમ્પરે હડફેટે લીધી હતી.
આ અકસ્માતમાં છકડો રીક્ષા ચાલક મુકેશભાઈ સતાભાઈ મુંધવા, રહે. સરતાનપરને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્મત બાદ ડમ્પર ચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મૃતકના ભાઈ બાબુભાઈ સતાભાઈ મુંધવા, રહે. સરતાનપર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

