વાંકાનેરના સરધારકામાં પ્રેમીના ત્રાસે પરણીતાએ પુત્ર સાથે દવા પીધી માતાનું મોત મૃતકના પિતાની ફરીયાદ પરથી પ્રેમી સામે નોંધાયો ગુનો
વાંકાનેર તાલુકામાં પોતાના પુત્ર ને લઈને પ્રેમી સાથે રહેતી પરિણીતાએ પ્રેમીના ત્રાસથી પોતાના વહાલસોયા દીકરાને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા ગટગટાવી લેતા બન્ને માતા-પુત્રને સારવારમાં ખસેડાયા હતા જ્યાં માતાનું મૃત્યુ નીપજ્યું છે જ્યારે પુત્ર હાલ સારવાર હેઠળ છે.ત્યારે આ મૃત્યુકાંડ બાબતે મરણ જનારના પિતા દ્વારા દીકરીને મરવા મજબુર કરનાર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામના રસાભાઈ વેલાભાઈ ડાભી (ઉવ.૪૫)એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી રમેશ ધરમશીભાઈ ધરજીયા (રે.ગાંગીયાવદર તા.વાંકાનેર) વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરીયાદીની દિકરી સુખુબેન ઉર્ફે ભાવુને
આરોપીએ પત્ની તરીકે પોતાની સાથે રાખી હતી. ત્યારે આરોપી રમેશ સુખુબેન ઉર્ફે ભાવુ સાથે ઝઘડાઓ કરી દુ:ખ ત્રાસ આપતો હોય જેથી કંટાળી એકદમ હતાશ થઈને સુખુબેન ઉર્ફે ભાવુબેને પોતાના વ્હાલસોયા દિકરાને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા પી લીધી હતી જે બાદ સારવાર દરમિયાન એમની પુત્રીનું મોત નિપજ્યું છે જ્યારે દોહિત્ર હાલ સારવાર હેઠળ છે. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ ૧૦૮ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી, આરોપીની અટકાયત કરવા તજવીજ હાથ ધરી છે.