*કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના હસ્તે સુરેન્દ્રનગરનાં મુળી તાલુકાના સરલા ગામના ૨૨ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાશે*
*તા. ૧૮ ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે*
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશમાં લાગુ કરવામાં આવેલા સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) અંતર્ગત અન્ય પડોશી દેશોના હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવા માટે આગામી તા.૧૮મી ઓગસ્ટે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે.
જે વ્યક્તિઓએ પડોશી દેશોમાં દમનને કારણે ભારતમાં આશ્રય મેળવ્યો છે, તેમને ભારતીય નાગરિકતા પ્રદાન કરવા માટે આયોજિત આ સમારોહમાં કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે સુરેન્દ્રનગર જિલ્લાનાં મુળી તાલુકાના સરલા ગામના ૨૨ વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. આ પ્રમાણપત્રોનું વિતરણ સિટીઝન એમેડમેન્ટ એક્ટ (CAA) ના અમલીકરણની દિશામાં ગુજરાતનું એક નિર્ણાયક પગલું સાબિત થશે.