*તરણેતરના મેળામાં તા. ૦૬, ૦૭, ૦૮, સપ્ટેમ્બરના રોજ પશુ પ્રદર્શન હરીફાઈ-૨૦૨૪ યોજાશે*
*સૌરાષ્ટ્ર તથા ગુજરાતના અન્ય જિલ્લામાંથી ગીર વર્ગમાં ગાય, સાંઢ, વોડકી તથા જાફરાબાદી ભેંસ વર્ગમાં ભેંસ, પાડો, ખડેલી(જોટુ) સહિતનાં પશુઓ હરીફાઈમાં લેશે ભાગ*
સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાતા "તરણેતર લોકમેળા"માં પશુપાલન ખાતા દ્વારા તા. ૦૬, ૦૭, ૦૮, સપ્ટેમ્બર-૨૦૨૪ના રોજ "પશુ પ્રદર્શન હરિફાઈ"નું આયોજન કરવામાં આવ્યું છે. આ "પશુ પ્રદર્શન હરિફાઈ”માં સૌરાષ્ટ્ર તથા ગુજરાતના અન્ય જિલ્લામાંથી ગીર વર્ગમાં ગાય, સાંઢ, વોડકી તથા જાફરાબાદી ભેંસ વર્ગમાં ભેંસ, પાડો, ખડેલી(જોટુ) વગેરે જેવા પશુઓ ભાગ લેશે.
આ હરિફાઈમાં ભાગ લેનાર દરેક પશુપાલકોને પોતાના પશુઓની ઓલાદ મુજબ ઈનામો આપવામાં આવશે. જે પૈકી ચેમ્પિયન ઓફ ધ શો ને ઈનામ પેટે રૂ. ૧,૦૦,૦૦૦/- તથા નિભાવ ખર્ચ પેટે દિવસ દીઠ રૂ.૧૦૦૦/- લેખે કુલ રૂ.૩૦૦૦ ચૂકવવામાં આવશે. કેટેગરી વાઈઝ ૬ જેટલાઓને પ્રથમ ઈનામ પેટે રૂ.૫૦,૦૦૦/- લેખે કુલ રૂ.૩ લાખની રકમ તેમજ નિભાવ ખર્ચ પેટે રૂ.૧૦૦૦ લેખે કુલ રૂ. ૧૮૦૦૦/-, દ્વિતીય ઈનામ પેટે રૂ.૪૦,૦૦૦/- લેખે કુલ રૂ.૨,૪૦,૦૦૦/- તેમજ નિભાવ ખર્ચ પેટે રૂ.૧૦૦૦ લેખે કુલ રૂ. ૧૮૦૦૦/-, આશ્વાસન ઇનામ તરીકે ૧૮૭ પશુ દીઠ રૂપિયા રૂ.૪૦૦૦/- લેખે કુલ રૂ.૭,૪૮,૦૦૦/- તેમજ નિભાવ ખર્ચ પેટે રૂ.૧૦૦૦ લેખે કુલ રૂ. ૫,૬૧,૦૦૦/-ના ઈનામની રકમ ચૂકવવામાં આવશે. આમ, કુલ ૨૦૦ જેટલા ઈનામ પેટે રૂ. ૧૩,૮૮,૦૦૦/- જેટલી રકમ તથા નિભાવ ખર્ચ પેટે રૂ. ૬,૦૦,૦૦૦/- ચૂકવવામાં આવશે.
તદુપરાંત, સુરેન્દ્રનગર જિલ્લાના થાન, ચોટીલા, હળવદ, વાંકાનેર અને મુળી તાલુકાના પશુઓ માટે પશુ દીઠ રૂા.૧૪૦૦/- તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના અન્ય તાલુકાના પશુઓ માટે પશુ દીઠ રૂા.૪૦૦૦/- તથા આ સિવાયના જિલ્લાઓના પશુઓ માટે પશુ દીઠ રૂા. ૮૦૦૦/- લેખે પરિવહન ખર્ચ પણ ચૂકવવામાં આવશે.
આમ, પશુ પ્રદર્શન હરીફાઈ દરમિયાન પશુપાલકોને રૂ.૩૦,૪૫,૪૦૦/- જેટલી પ્રોત્સાહક રકમ ચૂકવવામાં આવશે. આ પ્રદર્શન થકી ગુજરાત રાજયના ખૂણે ખૂણેથી ઉચ્ચ ઓલાદના લક્ષણો ધરાવતા પશુઓ અને પશુપાલકોને નિહાળવાની ઉત્તમ તક મળી રહે છે, તથા સંપર્કનું માધ્યમ પણ બને છે અને આવા પશુઓ રાખવાની લોકોને પ્રેરણા મળી રહે છે.
આ ઉપરાંત પ્રદર્શન મેળા દરમ્યાન મુલાકાતીઓ/ પશુપાલકોને પશુપાલન વ્યવસાયની અદ્યતન વૈજ્ઞાનિક માહિતી મળી રહે તે માટે પ્રદર્શન સ્ટોલ, સુરસાગર ડેરી દ્વારા પણ પ્રદર્શન સ્ટોલ થકી માહિતી પ્રદાન કરવામાં આવશે. આ ઉપરાંત પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવશે.
નોંધનીય છે કે, આ પ્રદર્શન થકી શુધ્ધ ઓલાદની જાળવણી, સંવર્ધન, દુધ ઉત્પાદન વધારવું, પશુ આરોગ્ય, રસીકરણ, પશુ રહેઠાણ, ઘાસચારા, ખાણદાણ જેવા વિવિધ પાસાઓને લગતી જાણકારી પશુપાલકો મેળવે છે. આમ, તરણેતર લોકમેળા દ્વારા પ્રચાર પ્રસારની કામગીરી સુંદર અને બહોળી રીતે થાય છે. આ મેળામાં પશુપાલકોને ઉચ્ચ ઓલાદના પશુઓની લે-વેચ કરવાનો પણ અવસર મળી રહે છે.
૦૦૦૦૦૦