મોરબીના નાની બજાર મેઈન રોડ પર આવેલું જર્જરિત મકાન તોડી પાડવા પાલિકાને રજૂઆત
મોરબીના વોર્ડ નંબર-૭ (સાત) માં નાની બજાર મેઈન રોડ પર ત્રીકમરાઈ મંદિરની બાજુમાં આવેલું એક જર્જરિત મકાન તોડી પાડવા બાજુમાં રહેતા રહીશે મોરબી નગરપાલિકાને લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે. રજૂઆત કર્તા તાહેરભાઈ આદમઅલી અકડાવાલાના જણાવ્યા પ્રમાણે તેમના મકાનની બાજુમાં આવેલું મકાન ખૂબ જ જર્જરિત હાલતમાં છે. થોડા દિવસ પહેલા જ આ જર્જરિત મકાનનો અમુક ભાગ તેઓના ઘરના ગેટની પાસે પડ્યો હતો. આ મિલકતના માલિક જઈમિનભાઈ હાલ Uk રહે છે અને આ મિલકતના વહીવટ કરતાં રાજેન્દ્રભાઈ ત્રિવેદી રાજકોટ રહે છે. તેથી મોરબી નગરપાલિકા આ જર્જરિત મિલકત ધારકને નોટિસ આપી કાર્યવાહી કરે અથવા જર્જરિત મિલકતને પાડી દેવામાં આવે જેથી કોઈ જાનહાનિ ન થાય. રજૂઆત કર્તાના જણાવ્યા પ્રમાણે આ જર્જરિત મિલકત અંગે વર્ષ ૨૦૨૨ થી તેઓ નગરપાલિકાને રજૂઆતો કરી રહ્યા છે પરંતુ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી તાત્કાલિક આ અંગે પગલાં લેવામાં આવે તેવી લેખિત રજૂઆત કરવામાં આવી છે.