*સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તા.૨૬ જૂનથી તા.૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ*
*મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા શાળા પ્રવેશોત્સવ અંગે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સર્વે જિલ્લાના અધિકારી-કર્મચારીઓને આપ્યું માર્ગદર્શન*
*જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના આયોજન અંગે બેઠક યોજાઈ*
સમગ્ર રાજ્યની સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ તા.૨૬ જૂનથી તા.૨૯ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવવામાં આવશે. જે અંતર્ગત આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તમામ જિલ્લાના અધિકારીશ્રીઓ/ પદાધિકારીશ્રીઓ સાથે શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ સંદર્ભે બ્રિફિંગ મીટીંગ યોજાઇ હતી. આ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કલેકટરશ્રી કે.સી.સંપટ સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ કલેકટર કચેરી સભાખંડ ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી બન્યા હતા.
તત્કાલીન મુખ્યમંત્રી તરીકે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ શાળા પ્રવેશોત્સવ અંતર્ગત રાજ્યમાં અત્યાર સુધી થયેલી કામગીરી અને પ્રવેશોત્સવ સહિતની પહેલોના કારણે શિક્ષણના સ્તરમાં આવેલા સુધારાઓ અંગે વાત કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ સંદર્ભે માર્ગદર્શન સૂચના આપ્યા હતા. સચિવશ્રી વિનોદ રાવે ૨૬ જૂન થી ૨૮ જૂન સુધી યોજાનારા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ અંતર્ગત યોજાનાર કાર્યક્રમની રૂપરેખા, સમાવિષ્ટ નવીન બાબતો અને આયોજન વિશે વિગતવાર માહિતી આપી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ની બ્રીફિંગ મીટીંગનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. વિડિયો કોન્ફરન્સ બાદ જિલ્લા કલેકટરશ્રીએ શાળા પ્રવેશોત્સવ ૨૦૨૪ના આયોજનની પૂર્વ તૈયારીઓ વિશે સંબંધિત અધિકારીઓ પાસેથી વિસ્તૃત જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન-સૂચનો આપ્યા હતા. વધુમાં ધોરણ ૧, આંગણવાડી અને બાલવાટિકામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓનું ૧૦૦ ટકા નામાંકન થાય અને જિલ્લાનું એકપણ બાળક પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે તાકીદ પણ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટરશ્રી આર.કે.ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જાલંધરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલન રાવ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એમ.ઓઝા સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.