*જામનગર જિલ્લાના 11 ટાપુઓ પર પ્રવેશ કરવા અંગે આગામી તા.03 ડિસેમ્બર સુધી પ્રતિબંધ જાહેર કરાયો*
*જામનગર તા.06 ઓકટોબર,* જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર 1 પીરોટન ટાપુ પર જ માનવ વસાહત આવેલ છે. જયારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે. આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ હોવાથી ત્યાં અવાર-નવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરે છે. આ ટાપુઓ પર રાષ્ટ્રવિરોધી અને દાણચોરી જેવી ગેરકાયદેસર અને અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઈસમો સહેલાઈથી આશ્રય મેળવે છે, અથવા હથિયારો અને નશાકારક પદાર્થ છુપાવવા ઉપયોગ કરે તેવી પુરી સંભાવના છે.
જેથી, રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને તેમજ આતંકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિને રોકવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન.ખેર, જામનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 અન્વયે સમગ્ર જામનગર જિલ્લાના આ તમામ ટાપુઓ પર પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
તેથી, પ્રવાસીઓને પિરોટન ટાપુ પર જ્યારે જવા-આવવાનું થાય ત્યારે નાયબ વન સંરક્ષકશ્રી, મરીન નેશનલ પાર્ક, જામનગરની પૂર્વમંજૂરી મેળવી લેવાની રહેશે. ઉક્ત જાહેરનામાંનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય દંડ સંહિતા-1860ના 45માં અધિનિયમની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામું આગામી તા.03 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
*જામનગર જિલ્લામાં પ્રવેશ માટે પ્રતિબંધિત કરવામાં આવેલા ટાપુઓની વિગત...*
ખારા બેરાજા ગામ નજીકના ભેંસબીડ ટાપુ, સરમત ગામ નજીકના દંડીકા ટાપુ અને મુંડીકા ટાપુ, બેડી ગામ નજીકના ઝિન્દ્રા ટાપુ, પીરોટન ટાપુ, અમુડી બેલા ટાપુ, બડા બેલા ટાપુ, કોદરા બેડ ટાપુ, જુના બેલા ટાપુ, અનનોન-એ ટાપુ અને અનનોન-બી ટાપુ- ઉક્ત તમામ ટાપુઓ પર પ્રવેશ કરવા અંગે પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.