તારીખ ૬ જુન ૨૦૨૩ ના રોજ ગુજરાત રાજયના ઉદ્યોગ મંત્રી માનનીયશ્રી બળવંતસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને યોજાયેલ ઉદ્યોગ સ્થાયી પરામર્શ સમિતિની પ્રથમ બેઠકમાં જ સમિતિના સદસ્ય ૬૬ ટંકારાના ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાની મોરબી જીલ્લાના સિરામિક ઉદ્યોગના આંતરીક ૯૪ રસ્તાઓ ૧૭૦ કી.મી. માટે રૂપીયા ૫૫૦ કરોડની રજૂઆત કરેલ હતી.
ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દે૨ીયા દ્વારા ૬ જુન ની ઉદ્યોગ પરામર્શ સમિતિની પ્રથમ બેઠકમાં મોરબી જીલ્લાના સિરામિક ઉદ્યોગોનો અહેવાલ આપતા જણાવ્યુ હતું કે સમગ્ર વિશ્વમાં મોરબી એટલે સિરામિકસ ઉદ્યોગમાં ચીનને હંફાવતું શહેર છે. ત્યારે મોરબી જીલ્લાના અલગ અલગ આશરે ૧૦,૦૦૦ જેટલા નાના મોટા એકમો આવેલ છે. જે એકમોમાં અંદાજીત ૪ લાખ લોકો ને રોજીરોટી મળી રહે છે, જેન આશરે વાર્ષિક ટનઓવર ૮૦ લાખ કરોડનું છે. તેમજ અંદાજે વાર્ષિક ૨૫ લાખ કરોડનું એકસપોર્ટ થાય છે ત્યારે સરકારને પણ આમાંથી ટેકસ રૂપે ઘણી આવક મળતી હોય છે. આ સિરામિક વિસ્તારમાં આંતરીક માળખાકીય સુવિધાઓ અને આંતરીક રસ્તાઓ ન હોવાથી ઘણી બધી સમસ્યાઓ ઉભી થતી હોય છે. તો આ રસ્તાઓ સરકાર દ્વારા મંજૂર કરવા જોઈએ તેવું શ્રી દુર્લભજીભાઈ દેથ૨ીયાની પરામર્શ સમિતિમાં અધ્યક્ષશ્રીને રજુઆત કરતા આ વાતને તેઓએ ધ્યાન ઉપર લઈ સમિતિનો અહેવાલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને ધ્યાને મુકેલ હતો.
ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા પરામર્શ સમિતિના અહેવાલની સાથોસાથ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાએ પણ ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી આ અંગેની રૂબરૂ રજૂઆત કરતા ગુજરાત સરકારના મુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રીમંડળ દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગોના આંતરીક રસ્તાઓ ને ગુજરાત સરકાર દ્વારા પ્રથમ ફેઈઝના ૩૧ રોડ કુલ કી.મી. ૯૪.૫૬ માટે રૂપીયા ૩૭૬ કરોડની સૈધાંતિક મંજુરી આપેલ છે. જે કામોના ટેન્ડર ટુંક સમયમાં બહાર પડી કામો શરૂ કરવામાં આવશે.
આ આંતરીક રસ્તાઓની મંજુરી મળતા મોરબી જીલ્લાના સિરામિક ઉદ્યોગ તથા અન્ય ઉદ્યોગોને ઘણો મોટો ફાયદો થશે. મોરબી જીલ્લાના સિરામિકસના આંતરીક રસ્તાઓ મંજુર કરવા બદલ સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા તથા ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ઉદ્યોગ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપુત અને સમિતિના સભ્યશ્રીઓનો ખુબ ખુબ આભાર વ્યકત કરેલ છે.