રાજકોટ : વલસાડ જિલ્લાના વાપીના રાતા ગામમાં મંદિરે દર્શને ગયેલા વાપી ભાજપ ઉપ પ્રમુખની ગોળી મારીને હત્યા નિપજાવાઇ છે. જૂની અદાવતમાં ભાજપ ઉપ પ્રમુખ પર ફાયરિંગ કરાતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, ભાજપના ઉપપ્રમુખ શૈલેષ પટેલ વાપીના રાતા ગામમાં શિવજીના મંદિરે પરિવાર સાથે દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો તેમના પર ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક રીતે જૂની અંગત અદાવતમાં શૈલેષ પટેલની હત્યા કરાઈ હોવાની આશંકા છે. હાલમાં સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે શૈલેષ પટેલ કોચરવા ગામના નામોટા ફળિયામાં રહેતા હતા. ગોળીબાર થતા તેમને ગંભીર હાલતમાં સારવાર માટે વાપીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.