મોરબી જિલ્લાના પૂર્વ અને હાલ દાહોદ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ રૂા. ૧ લાખની લાંચના છટકામાં ઝડપાઈ જતાં આ સમગ્ર દાહોદ જિલ્લા શિક્ષણ આલમ સહિત જિલ્લામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો છે.
અગાઉ બોર્ડની પરીક્ષાના સમયે પુર્વ જિલ્લા શિક્ષણાધિકારી કાજલ દવે માત્ર રૂા. ૧૦ હજારની લાંચમાં સપડાઈ જવાની ઘટના બની હતી ત્યારે આ બાદ તેઓનો આ ચાર્જ પ્રાથમીક શિક્ષણાધિકારી મયુર પારેખને સોંપવામાં આવ્યો હતો ત્યારથી મયુર પારેખ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ સંભાળતાં હતાં ત્યારે તેઓ પણ રૂા. ૧ લાખની લાંચ લેતાં એ.સી.બી. પોલીસના હાથ ઝડપાઈ જતાં સમગ્ર દાહોદ જિલ્લા શિક્ષણ આલમમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી છે.
અગાઉ કાજલબેન દવે બોર્ડની પરીક્ષા દરમ્યાન અને હાલ તલાટીની પરીક્ષા દરમ્યાન મયુર પારેખ લાંચ લેતાં ઝડપાઈ જતાં તરેહ તરેહની ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે. દાહોદ જિલ્લાનું શિક્ષણ આમેય કથળી રહ્યું છે તેની જવાબદારી કોની ? વિદ્યાર્થીઓ, બાળકોનું ભવિષ્ય કોના હાથમાં ? દાહોદ જિલ્લામાં કથળતા જતાં શિક્ષણ માટે જવાબદાર કોણ ? જાે શિક્ષણાધિકારીઓજ લાંચ લેતાં ઝડપાય છે તો દાહોદ જિલ્લામાં શિક્ષણની શુ પરિસ્થિતિ હશે ? તે એક ચિંતાનો વિષય બની ગયો છે.
એસીબી પાસેથી માહિતી મળી હતી કે ફરીયાદી રત્નેશ્વર આશ્રમ શાળા પાનમ ખાતે ફરજ બજાવતા હતા અને તેઓએ આફવા પ્રાથમિક શાળા તા.ફતેપુરા જિ.દાહોદ માં બદલી થવા અરજી કાગળો કરેલ જે ફરીયાદીની આફવા પ્રાથમિક શાળા ખાતે બદલી હુકમ તા.૨૯/૧૦/૨૦૨૨ના રોજ આપેલ. જે કામે આરોપી મયુર પારેખ એ ફરીયાદી પાસે પ્રથમ રૂ.૫,૦૦,૦૦૦/- ની માંગણી કરી રૂ.૪,૦૦,૦૦૦/- લેવા સંમત થયેલ અને રૂ.૨,૦૦,૦૦૦/- અગાઉ ફરીયાદી પાસે લઈ લીધેલ. આરોપી ફરીયાદી પાસે બાકીના લાંચના નાણાંની વારંવાર ઉઘરાણી કરાવતા હોય તેમજ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ આ અંગે ફરિયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે એસીબી ટીમે લાંચના છટકાનુ આયોજન કરતા આ કામના આરોપી મયુર પારેખને પંચ-૧ ની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૧,૦૦,૦૦૦/- લાંચની માંગણી કરી, સ્વીકારી સરકારી વાહનમાં મુકાવતા પકડાઈ જતા એસીબી ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે