નવી જંત્રી અમલી બનતી હોવાને લઈને જિલ્લાની તમામ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં સ્ટેમ્પ પેપરની ખરીદીને લઈને લોકોની લાઈનો લાગી હતી. ટૂંક સમયમાં નવી જંત્રી અમલમાં આવી જશે. સરકારે 15મી સુધી નવી જંત્રીના અમલીકરણ પર બ્રેક મારી હતી. તેમાંપણ હવે 16મીએ રવિવારની રજા આવે છે. તે મુજબ રાજ્યમાં 17મીથી નવી જંત્રી લાગુ થશે. હવે છેલ્લી ઘડીઓ ગણાય રહી છે. નાણાંકીય વર્ષ 2022-23ના અંતિમ ત્રણ મહિનામાં દસ્તાવેજ રજીસ્ટ્રેશન માટે ભારે ધસારો રહ્યો હતો. ગાંધીનગર સબ રજીસ્ટ્રાર કચેરીમાં આ ત્રણ મહિનામાં જ સ્ટેમ્પ ડયુટીની 158 કરોડની આવક થવા પામી હતી. એપ્રિલ મહિનામાં ખાસ કરીને નવી જંત્રી લાગુ થાય તે પુર્વે દસ્તાવેજ માટે ભારે ધસારો રહ્યો હતો. એટલું જ નહિ સરકારે પણ કામના ભારણને લઈને રજાના દિવસોમાં સબ રજીસ્ટ્રાર કચેરીઓ ચાલુ રાખી હતી. સરકારે બેઉ પક્ષે વેચાણ માટેની સંમતી હોય તેવા કિસ્સામાં બંને પક્ષોની સહીઓ હશે તે સ્ટેમ્પ પેપર આગામી ચાર મહિના સુધી ચાલશે. એટલેકે તેમાં જૂની જંત્રી લાગુ થશે. આ બાબતને લઈને આજે પણ મોડી સાંજ સુધી સ્ટેમ્પ પેપરોની ખરીદી માટે પડાપડી જોવા મળી હતી. ગાંધીનગર અને કલોલ બંને સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં લોકોની લાઈનો લાગી હતી.