વાંકાનેરના પાજ ગામે ટ્રાન્સફોર્મર ફિટ કરવાને નામે 63 કિલોવોટના બે ટીસી મેળવી એક બારોબાર વેચી નાખ્યું
સુરેન્દ્રનગરના રાજસીતાપુર નજીક ગેરકાયદે ટીસી મૂકી કરાતી વીજ ચોરીનો કિસ્સો બહાર આવ્યા બાદ કૌભાંડ ખુલ્યું
વાંકાનેર : પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની વાંકાનેર કચેરીના સ્ટોર રૂમમાંથી એક જ એસઆર નંબર ઉપર એક ને બદલે બે વીજ ટ્રાન્સફોર્મર મેળવી વીજ કંપનીના કોન્ટ્રાક્ટરે 63 કિલો વોટના બે ટ્રાન્સફોર્મર મેળવી વીજ કંપની સાથે છેતરપિંડી આચરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે બે વર્ષ પૂર્વે કોન્ટ્રાક્ટરે બારોબાર આ ટીસી વેચી નાખ્યા બાદ રાજસીતાપુર નજીક આ ચોરાઉ ટીસીથી વીજચોરી કરવામાં આવતી હોવાનો કિસ્સો બહાર આવતા ટીસી ચોરીનો બનાવ સામે આવ્યો હતો.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર નજીક પીજીવીસીએલ કચેરી સુરેન્દ્રનગરના ચેકીંગ દરમિયાન હેવી વિજલાઈનમાં ગેરકાયદેસર રીતે ટીસી મૂકી વીજ ચોરી કરવાનો કિસ્સો ઝડપી લેવામાં આવતા આ વીજ ટ્રાન્સફોર્મર વાંકાનેર વીજ કચેરીનું હોવાનું બહાર આવતા સુરેન્દ્રનગર વીજ કચેરીએ વાંકાનેર પીજીવીસીએલ કચેરીને સમગ્ર મામલે રિપોર્ટ કરી જવાબ માંગ્યો હતો.