મોરબીના પંચાસર ગામે પ્રેમલગ્નનો ખાર રાખી ભાભીની માતા-બહેને યુવતીને લાકડી વડે ઢોર માર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પીડીતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. મોરબીના પંચાસર ગામે રહેતા ફરિયાદી મનિષાબેન પ્રવીણભાઈ પરમારે મોરબી તાલુકા પોલીસમાં આરોપી કાંતાબેન દિનેશભાઈ મકવાણા અને તેમની પુત્રી દક્ષાબેન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, એક વર્ષ પૂર્વે તેમના મોટાભાઈ કિશોરે દિનેશ મકવાણાની દીકરી રંજન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને હાલ તેના ભાઈ-ભાભી પંચાસર ગામમાં રહેતા નથી.૭ ફેબ્રુઆરીના રોજ તેઓ બપોરના ૧૨ વાગ્યાની આસપાસ છાણા વીણવા માટે નીકળ્યા હતા. એ વખતે તેમના ઘરની પાછળની શેરીમાં જ્યાં તેમના ભાભી રંજનબેનનું મકાન હતું ત્યાંથી પસાર થતાં રંજનબેનના માતા કાંતાબેન તથા રંજનબેનની બહેન દક્ષા એમ બંને ઘરની બહાર ઊભા હતા અને મનિષાબેનને નિહાળીને ગાળો આપવા લાગ્યા હતા. એ સમયે મનીષાબેનને પ્રતિકાર કરતા માતા-પુત્રીએ ગાળો આપવાનું ચાલુ રાખ્યું હતું અને કાન્તાબેને ઉશ્કેરાઈ જઈને ઘરમાં પડેલ લાકડાનો ધોકો લઈને મનીષાબેનના જમણા પગના ભાગે માર્યો હતો અને તેમનું ગળું પકડી લીધેલું હતું. આ મામલે દેકારો થતા શેરીમાં આસપાસના લોકો આવી ગયા હતા અને તેમને છોડાવ્યા હતા. મનીષાબેનના મતે તેમના ભાઈએ પ્રેમલગ્ન કર્યા તેનો ખાર રાખીને આરોપી માતા-પુત્રીએ તેમના પર હુમલો કર્યો છે. આ ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીના પંચાસર ગામે પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીને માર માર્યો.
ફેબ્રુઆરી 07, 2023
Tags