હાઈકોર્ટના કડક વલણ બાદ રાજ્યમાં પોલીસ એક્શનમાં: અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ.

Machhu news morbi
હાઈકોર્ટના કડક વલણ બાદ ચાઈનીઝ દોરીને લઈને રાજ્યમાં પોલીસ એક્શનમાં, રાજ્યમાં પ્રથમવાર અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ

રાજ્યમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના કારણે દર વર્ષે અનેક લોકો પોતાનો જીવ ગુમાવે છે. આમ છતાં ઉત્તરાયણ નજીક આવતા રાજ્યમાં ચાઈનીઝ દોરીનું ગેરકાયદે વેચાણ થાય છે. આ વર્ષે પણ ઉત્તરાયણ નજીક આવતા ચાઈનીઝ દોરીના વેચાણમાં વધારો થયો છે. ત્યારે હાઈકોર્ટના કડક વલણ બાદ ચાઈનીઝ દોરીને લઈને રાજ્યમાં પોલીસ એક્શનમાં આવી છે. ગુજરાતના વિવિધ શહેરોમાં પોલીસ દ્વારા દરોડા પાડવવામાં આવી રહ્યા છે. આ તરફ રાજ્યમાં પ્રથમવાર અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે.


રાજ્યમાં પ્રથમવાર ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ
હાઈકોર્ટના કડક વલણ બાદ ચાઈનીઝ દોરીને લઈને રાજ્યમાં પોલીસ એક્શનમાં આવી છે. જેને લઈ અમદાવાદના ઘાટલોડિયામાં ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે, પ્રથમ વખત ચાઈનીઝ દોરી પર પતંગ ચગાવનાર સામે ફરીયાદ નોંધાઇ છે. વિગતો મુજબ અજય વાઘેલા નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરામાં ચાઇનીઝ દોરી વેચતા 10 આરોપીઓની ધરપકડ
આ તરફ ઉત્તરાયણ પહેલા વડોદરા જિલ્લા પોલીસે ચાઇનીઝ દોરી વેંચનારા સામે કડક કાર્યવાહી કરી છે. જિલ્લામાંથી ચાઇનીઝ દોરી વેચતા 10 આરોપીઓની ધરપકડ કરી છે. વિગતો મુજબ આરોપીઓ પાસેથી 1.90 લાખની 663 નંગ ચાઇનીઝ દોરીની રીલ ઝડપાયા છે. જેમાં સાવલી પોલીસે 1 આરોપી પાસેથી 72 નંગ ચાઇનીઝ દોરીની રીલ, વરણામાં પોલીસે 2 આરોપીઓ પાસેથી 90 નંગ ચાઇનીઝ દોરીની રીલ, ડભોઈ અને SOG પોલીસે 5 આરોપીઓ પાસેથી 456 નંગ ચાઇનીઝ દોરીની રીલ અને મંજુસર પોલીસે 1 આરોપી પાસેથી 15 નંગ ચાઇનીઝ દોરીની રીલ ઝડપી છે.

તાજેતરમાં જ અમદાવાદમાં ચાઈનીઝ દોરીથી એક યુવકનું થયું હતું મોત
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક યુવક બાઈક પર જઈ રહ્યો હતો. આ દરમિયાન ચાઈનીઝ દોરી યુવકના ગળામાં આવી હતી. જેથી ગંભીર ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર તબીબોએ તાત્કાલિક તેની સારવાર શરૂ કરી હતી. આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


વિવિધ શહેરોમાં પોલીસના દરોડા
તો પોલીસ દ્વારા પણ વિવિધ શહેરોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અમદાવાદની દાણીલીમડા પોલીસે ફરીદા એપાર્ટમેન્ટમાં મકાનના ધાબા પર રેડ પાડી હતી. આ દરમિયાન 900 નંગ ચાઈનીઝ દોરીની રીલનો જથ્થા સાથે મહોમ્મદ કૈફ શેખ અને મોઈન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સાથે વડોદરાની છાણી પોલીસ અને સિટી પોલીસે શહેરના વિવિધ ભાગમાં રેડ પાડી હતી, આ દરમિયાન સિટી પોલીસે હાથીખાના પાસેથી ચાઈનીઝ દોરીના 20 રીલ સાથે 3 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે છાણી પોલીસે દશરથ ગામમાંથી 30 નંબર ચાઈનીઝ દોરીના રીલ સાથે 2 આરોપીની ધરપકડ કરી છે.

સાબરકાંઠા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું
ગુજરાતમાં અત્યાર સુધી ચાઈનીઝ અનેક લોકોના ભોગ લેવાયા છે તેના સંદર્ભે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે ચાઈનીઝ દોરી, ચાઈનીઝ તુક્કલ પર પ્રતિબંધનો જાહેરનામું બહાર પાડ્યું છે. તેમજ જિલ્લા પોલીસ વડાએ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યું છે. સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં નાયલોન સહિત ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મુકાયો છે. ચાઈનીઝ દોરી અત્યાર સુધીમાં કેટલાય પક્ષીઓ સહિત માનવીઓ માટે ઘાતકી બની છે ત્યારે જાહેરનામા અંતર્ગત ચાઈનીઝ દોરીના સંગ્રહ, વેચાણ તેમ જ વપરાશ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !