ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય: સરહદી ભૌગોલિકતાને ધ્યાને રાખી મોરબી જિલ્લાને બોર્ડર રેન્જમાં સમાવાયો
ગાંધીનગર: ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વહીવટી સરળતા અને સરહદી સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે એક અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તારીખ ૦૪/૦૬/૨૦૨૬ના સરકારી ઠરાવ અનુસાર, મોરબી જિલ્લાને હવે રાજકોટ રેન્જમાંથી હટાવીને સત્તાવાર રીતે ‘બોર્ડર રેન્જ’ હેઠળ મૂકી દેવામાં આવ્યો છે.
સરકારી આદેશમાં જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ સરહદી કચ્છ જિલ્લાની બિલકુલ અડીને આવેલો છે. ભુજ-કચ્છ બોર્ડર રેન્જનો વિસ્તાર ખૂબ જ વિશાળ હોવાથી અને સરહદી વિસ્તારોમાં કાયદો-વ્યવસ્થાની કડક દેખરેખ રાખવા માટે, મોરબી જિલ્લાને બોર્ડર રેન્જમાં સામેલ કરવો અનિવાર્ય બન્યો હતો.
પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જમીન સરહદ સાથે જોડાયેલી હયાત બોર્ડર રેન્જનું કાર્યક્ષેત્ર મોટું હોવાથી તેનું વિભાજન કરીને નવી ‘બનાસકાંઠા રેન્જ’ (મુખ્ય મથક: પાલનપુર) બનાવવામાં આવી છે. આ ફેરફારના કારણે મોરબી હવે પશ્ચિમ કચ્છ-ભુજ અને પૂર્વ કચ્છ-ગાંધીધામની સાથે બોર્ડર રેન્જનો એક મહત્વનો હિસ્સો બની ગયો છે.
આ ફેરફાર બાદ રાજકોટ રેન્જનું ભારણ પણ ઘટશે. હવે રાજકોટ રેન્જ હેઠળ માત્ર રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જિલ્લાઓ જ કાર્યરત રહેશે, જ્યારે મોરબીનો વહીવટ હવે બોર્ડર રેન્જના વડા હેઠળ ચલાવવામાં આવશે.
