મોરબી માન્ય પત્રકારોની જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને માંગણી : PRESS લખેલા વાહનોનું સઘન ચેકિંગ કરી બોગસ પ્રેસકાર્ડ રેકેટનો પર્દાફાશ કરો.

Machhu news morbi

 મોરબી માન્ય પત્રકારોની જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને માંગણી : PRESS લખેલા વાહનોનું સઘન ચેકિંગ કરી બોગસ પ્રેસકાર્ડ રેકેટનો પર્દાફાશ કરો. 

મોરબીમાં બોગસ પત્રકારોનો કાળો કારોબાર બેફામ: 10 હજારના પ્રેસકાર્ડથી પોલીસ પર રોફ જમાવનાર ઝડપાતા ચકચાર


મોરબી શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે પૈસા લઈને પ્રેસકાર્ડ વેચવાનું અને કોઈપણ પ્રકારની પત્રકારત્વની લાયકાત કે અનુભવ વગરના લોકો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ન્યૂઝ ચેનલોના નામે બ્લેકમેલિંગ અને તોડપાણી કરવાનું ગંભીર દૂષણ વધી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે મોરબી જિલ્લાના તમામ માન્ય પત્રકારોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે.


રજુઆતમાં જણાવાયું છે કે, કેટલાક અસામાજિક તત્વો પૈસા આપીને ખોટા પ્રેસકાર્ડ મેળવી રહ્યા છે અને પોતાના વાહનો પર મોટા અક્ષરે ‘PRESS’ લખાવી શહેર અને જિલ્લામાં રોફ જમાવી રહ્યા છે. આવા તત્વો નિર્દોષ લોકોને ડરાવી-ધમકાવી તોડપાણી કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે, જેના કારણે સાચા અને માન્ય પત્રકારોની છબી ખરડાઈ રહી છે તેમજ લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વનું નામ બદનામ થઈ રહ્યું છે.


તાજેતરમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન 10 હજાર રૂપિયામાં પ્રેસકાર્ડ ખરીદીને પોલીસ પર રોફ જમાવતા 9 ધોરણ પાસ એક બોગસ પત્રકાર અને તેને પ્રેસકાર્ડ વેચનાર શખ્સ સામે કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ બાદ સમગ્ર જિલ્લામાં બોગસ પત્રકારોના નેટવર્ક અંગે ચર્ચા તેજ બની છે.


માન્ય પત્રકારોએ પોતાની રજૂઆતમાં માંગ કરી છે કે મોરબી જિલ્લામાં ‘PRESS’ લખેલા તમામ ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોનું સઘન ચેકિંગ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવે. સાથે જ પ્રેસકાર્ડ લઈને ફરતા લોકોની શૈક્ષણિક લાયકાત, સંસ્થા અને કાર્ડની ખરાઈ કરવામાં આવે.


આ ઉપરાંત 10 હજાર કે અન્ય રકમો લઈને ગેરકાયદેસર રીતે બોગસ પ્રેસકાર્ડ ઇશ્યૂ કરતી એજન્સીઓ અને વ્યક્તિઓના નેટવર્કને શોધી કાઢી ઉંડાણપૂર્વક તપાસ કરી કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. બ્લેકમેલિંગ અને તોડપાણી કરતા બોગસ પત્રકારો સામે બીએનએસની આકરી કલમો હેઠળ ગુના નોંધી સખત પગલાં ભરવા રજૂઆતમાં અપીલ કરવામાં આવી છે.


મોરબી જિલ્લાના તમામ માન્ય પત્રકારોએ આ મામલે સત્વરે કાર્યવાહી કરી વિશેષ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે તંત્ર સમક્ષ કડક વલણ અપનાવવાની અપીલ કરી છે.



Our website uses cookies to enhance your experience. Learn More
Accept !