સાવરકુંડલામાં સદ્દભાવના ગ્રુપ દ્વારા ભવ્ય 106 મોં રક્તદાન કેમ્પનું સફળ આયોજન ઉષામૈયાના આશીર્વાદથી 101 યુનિટ રક્ત એકત્રિત
સાવરકુંડલા: ઓપરેશન સિંદૂર અંતર્ગત વર્તમાન અને ભવિષ્યની સંભવિત પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે, સદ્દભાવના ગ્રુપ દ્વારા સાવરકુંડલા મા અમરેલી રેડક્રોસ સોસાયટીના સહયોગથી એક સફળ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શહેરના સેવાભાવી રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કુલ 101 યુનિટ અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું.
સદ્દભાવના ગ્રુપ, જે છેલ્લા 24 વર્ષથી 8 હેલ્પલાઈન દ્વારા સમાજસેવાના કાર્યોમાં મોખરે રહ્યું છે, તેમના દ્વારા આયોજિત આ 106મો રક્તદાન કેમ્પ એક સુંદર અને સુવ્યવસ્થિત કાર્યક્રમ રહ્યો હતો. ગ્રુપ દ્વારા લોકોને રક્તદાનના મહત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા અને અપીલ કરવામાં આવી હતી કે સમયસર મળેલું રક્ત અનેક જરૂરિયાતમંદ લોકોના જીવનને બચાવી શકે છે. આ રક્તદાન કેમ્પ પરોક્ષ રીતે અનેક લોકો માટે જીવનદાતા સાબિત થશે. આ કેમ્પમાં મહિલા રક્તદાતાઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં માતાઓ બહેનોએ પણ રક્તદાનમાં સહભાગી બનીને સમાજ પ્રત્યેની પોતાની ફરજ નિભાવી હતી. આ પહેલને સર્વત્ર આવકાર મળ્યો હતો.
સદ્દભાવના ગ્રુપ માત્ર રક્તદાન કેમ્પ જ નહીં પરંતુ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય છે. હવે સદભાવના ગ્રુપ દ્વારા આગામી કાર્યક્રમની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આગામી 1 જૂન, 2025 ના રોજ સદભાવના ગ્રુપ દ્વારા એમ્બ્યુલન્સ લોકાર્પણનો એક ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. સાધુ સંતોના વરદ હસ્તે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ઇકો મીની ICU એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવશે. આ એમ્બ્યુલન્સ "ચિયર્સ જિંદગી" અભિયાન હેઠળ જરૂરિયાતમંદ લોકો માટે તાત્કાલિક અને સલામત પરિવહન સુનિશ્ચિત કરશે.આ એમ્બ્યુલન્સ માટે દાતાશ્રીઓએ ઉમદા યોગદાન આપ્યું છે લુહાર સંત મૂળદાસબાપા ગોકુળ જવેલર્સ પરિવાર ચંદકાંતભાઈ ભાયચંદભાઈ કાત્રોડીયા શેઠ શ્રી મહાસુખરાય ત્રિભુવનદાસ કામદાર (હસ્તે કામદાર પરિવાર) સ્વર્ગસ્થ કંચનબેન કપૂરચંદભાઈ પારેખ (હસ્તે સ્મિતાબેન લલિતભાઈ કપૂરચંદભાઈ પારેખ, સાવરકુંડલા વાળા) તેમના આ અમૂલ્ય યોગદાનથી ઇમરજન્સીના સમયમાં આ એમ્બ્યુલન્સ સેવા આશીર્વાદરૂપ સાબિત થશે. સદ્દભાવના ગ્રુપ આ તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને સાવરકુંડલાના લોકોના સહકાર બદલ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરે છે. સદભાવના ગ્રુપ ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યો દ્વારા સમાજને ઉપયોગી બનવા માટે કટિબદ્ધ છે.