*લોકમેળા – ૨૦૨૪ નામકરણ પ્રતિસ્પર્ધા*
રાજકોટના લોકમેળાને આકર્ષક શીર્ષક આપવા ઉત્સાહી નાગરિકો માટે આવતી કાલે છેલ્લો દિવસ
*૫૦૦ થી વધુ નામો સૂચવતા નગરજનો, વિજેતા સ્પર્ધકને પુરસ્કૃત કરાશે*
*રાજકોટ તા. ૩૦ જુલાઈ -* રાજકોટ શહેરમાં રેસકોર્સના મેદાનમાં આગામી જન્માષ્ટમી નિમિત્તે તા.૨૪ ઓગસ્ટ, ૨૦૨૪ થી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા લોકમેળાનું આકર્ષક શીર્ષક મેળવવા માટે સ્પર્ધા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વહીવટી તંત્ર દ્વારા નગરજનોને આકર્ષક શીર્ષક આપવા નિમંત્રણ પાઠવવામાં આવતા આજ સુધીમાં ૫૦૦ થી વધુ નામો સુચવવવામાં આવ્યા છે. જેનો આવતીકાલ તા. ૩૧ જુલાઈના રોજ છેલ્લો દિવસ હોઈ હજુ પણ જે લોકો મેળાનું નામકરણ સૂચવતા માંગતા હોય તેઓએ lokmelarajkot@gmail.com પર ઈ-મેલ થી નામ મોકલી આપવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.
રાજકોટ શહેરમાં પ્રતિવર્ષ પવિત્ર શ્રાવણ માસના રાંધણ છઠ્ઠથી લોકમેળો યોજવામાં આવે છે. આ મેળાનું સમગ્ર આયોજન લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા કરવામાં આવે છે. આ વર્ષનો લોકમેળો તા.૨૪ ઓગસ્ટ થી તા. ૨૮ ઓગસ્ટ સુધી યોજાનાર છે. ત્યારે રાજકોટ, સૌરાષ્ટ્રની આગવી ઓળખ પ્રતિબિંબિત કરતા શીર્ષક સાથે વર્ષ ૨૦૨૪ નો લોક મેળો યોજાશે.
આ પૂર્વે ‘રંગીલો લોકમેળો’, ‘રસરંગ લોકમેળો’,‘મલ્હાર લોકમેળો’, ‘જમાવટ લોકમેળો’ જેવા નામ સાથે લોકમેળા યોજાયા છે. નામકરણ માટે શીર્ષક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્ય હોવું જોઇએ. વધુમાં વધુ બે શીર્ષક મોકલી શકાશે. સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, પરિવેશ, રહેનસહેન, લોકજીવનને અનુરૂપ હોવું જોઇએ.
એન્ટ્રી મોકલનારા સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર લખવાનો રહેશે. ઇ-મેઇલથી મોકલનાર સ્પર્ધકે પણ સરનામુ અને સંપર્ક નંબર અચૂક લખવાનો રહેશે. આ સ્પર્ધામાં કોઇ પણ નાગરિક ભાગ લઇ શકશે. પ્રાપ્ત થયેલી એન્ટ્રીમાંથી લોકમેળા સમિતિ દ્વારા આખરી શીર્ષક પસંદ કરવામાં આવશે. પસંદગી બાબતે લોકમેળા સમિતિનો નિર્ણય આખરી ગણાશે.
સ્પર્ધકે પોતાની એન્ટ્રી ઇ-મેઇલ lokmelarajkot@gmail.com પર તા. ૩૧/૦૭/૨૦૨૪ સુધીમાં મોકલવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલી એન્ટ્રી ધ્યાને લેવામાં આવશે નહીં તેમ જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.