અમારો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો છે, ગુજરાત સરકારનો આભાર; લાભાર્થી દેવશીભાઈ બજાણિયા.
રાજકોટ, તા. ૧૨ જુલાઈ - ધોરાજીના ચાપાતર વિસ્તારમાં રહેતા દેવશીભાઈ મૂળજીભાઈ બજાણિયાના ચહેરા પર આજે આનંદ હતો. ભાદર-૨ ડેમ બન્યા પછી પુનઃ વસવાટ માટે મળેલી જમીનની સનદમાં રહી ગયેલી ભૂલ આજે દૂર થઈ છે અને તેમને સુધારેલી સનદ મળી છે. દેવશીભાઈ મૂળજીભાઈ બજાણિયાએ આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જ્યારથી ભાદર ૨ ડેમ યોજના અમલમાં આવી ત્યારથી અમારી સનદમાં ભૂલ રહી ગઈ હતી. સનદમાં ભૂખી ગામ લખાયુ હતું. આથી અમને કોઈ પ્રાથમિક લાભ મળતા ન હતા. પરંતુ આજે અમને અમારી સુધારેલી સનદ મળી છે. અમારો વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો છે. અમારા વિસ્તારનો ધોરાજી નગર પાલિકામાં સમાવેશ થયો હોવાથી હવે અમને દરેક પ્રાથમિક લાભ મળશે. આ તકે તેમણે ગુજરાત સરકારનો પુનઃ આભાર માન્યો હતો.