*ઘેલા સોમનાથ મંદિર વિંછીયા ખાતે આગામી શ્રાવણ માસના લોકમેળાના આયોજન માટે તા. ૧૯ જુલાઈએ વિવિધ સ્થળોની હરરાજીનુ આયોજન*
*રસ ધરાવતી સંસ્થાઓને હરરાજીમાં ભાગ લેવા અનુરોધ*
*રાજકોટ તા. ૧૬ જુલાઈ -* રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના સોમપીપળીયા ખાતે આવેલ શ્રી ઘેલા સોમનાથ મંદિર ખાતે આખા શ્રાવણ માસ દરમ્યાન ખુબ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે જયાં શ્રાવણ માસ દરમ્યાન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. લોકમેળા અન્વયે શ્રી ઘેલા સોમનાથ મંદિર હસ્તકના ગોડલાધાર રોડ પરનું, મોઢુકા રોડ પરનું, નવાગામ રોડ પરનું તેમજ કાળાસર રોડ પરના પાર્કિંગ, મંદિર પરિસર આસપાસના તમામ ૧૨૭ સ્ટોલ અને શ્રી ઘેલા સોમનાથ શોપિંગ મોલની કુલ ૧૫ દુકાનો તા.૦૫/૦૮/૨૦૨૪ થી તા.૦૩/૦૯/૨૦૨૪ સુધી ભાડે આપવાનું નક્કી કરવામાં આવેલ છે. આ જગ્યાની હરરાજી તા. ૧૯/૦૭/૨૦૨૪ ના રોજ શ્રી ઘેલા સોમનાથ મંદીર ખાતે બપોરના ૩-૦૦ કલાકે રાખવામાં આવી છે. તમામ જગ્યાની હરરાજીની અપસેટ કિંમત કુલ રૂ.૩૫ લાખ રાખવામાં આવેલ છે. આ માટે રસ ધરાવતી પાર્ટીઓએ હરરાજીમા જોડાવવા અનુરોધ કરવામાં આવે છે.વધુ વિગતો માટે શ્રી એચ.આર. મકાણી, વહીવટદારશ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ મો. ૯૭૨૪૬ ૦૬૧૦૧નો સંપર્ક કરવાનો રહેશે.
આ હરરાજીમાં જોડાવા માટે અગાઉ સ્થળ પર જઈને તમામ જગ્યાનું સ્થળ નિરીક્ષણ જે-તે પાર્ટીએ કરી લેવાનું રહેશે. જગ્યા જે સ્થિતીમાં છે તે જ સ્થિતીમાં ઉપયોગ કરવાનો રહેશે અને મંદિર ટ્રસ્ટને પરત સોંપવાનું રહેશે. જયાં વિજકનેકશનની જરૂરીયાત હશે તે જગ્યાએ લાઈટ કનેકશન જે તે પાર્ટીએ લેવાનું રહેશે. વિજકનેકશન મેળવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી સહયોગ આપવામાં આવશે. તમામ સ્થળની હરરાજી અલગ-અલગ કરવામાં આવશે.
હરરાજીમાં ભાગ લેનાર પાર્ટીએ સિક્યોરીટી તરીકે ખેતીલાયક જમીનના ૭/૧૨, ૮-અ રજૂ કરવાના રહેશે. ભાગ લેવા ઈચ્છુક વ્યકિત/પાર્ટીએ ડિપોઝીટ પેટે રૂ.૧,૫૧,૦૦૦/- હરરાજી શરૂ થયા પહેલા જમા કરાવવાના રહેશે. ત્યાર બાદ જ હરરાજીમાં ભાગ લઈ શકશે.હરરાજીમાં ભાગ લેનાર સૌથી ઉંચી બોલી બોલનાર પાર્ટીએ આખરી બોલીની ૫૦ % ૨કમ હરરાજી પૂર્ણ થયા બાદ તુરંત ભરપાઈ કરવાની રહેશે અને બાકીની ૫૦% રકમ શ્રાવણ માસના ૧૫ દિવસ પૂર્ણ થયે ભરપાઈ કરવાની રહેશે. આ અંગે આખરી નિર્ણય ઉપાધ્યક્ષ, શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અને નાયબ કલેકટરશ્રી, જસદણનો રહેશે તેમ ઉપાધ્યક્ષ, શ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.