સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતેથી તા. ૦૪ જુલાઈના રોજ નીતિ આયોગના "સંપૂર્ણતા અભિયાન"નો લોન્ચ કાર્યક્રમ યોજાશે
*આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચકાંકોમાં સમુચિત વિકાસ થાય તે હેતુથી દેશભરમાં "સંપૂર્ણતા અભિયાન"*
*'નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (NITI)' નીતિ આયોગ દ્વારા દેશભરમાં ૧૧૨ "મહત્વકાંક્ષી જિલ્લાઓ" અને ૫૦૦ જેટલા "મહત્વકાંક્ષી તાલુકાઓ" જાહેર કરાયા,ગુજરાત રાજ્યનાં ૧૦ જિલ્લાઓ અને ૧૩ તાલુકાઓનો સમાવેશ*
૦૦૦૦૦
*માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:*
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા "મહત્વકાંક્ષી તાલુકા કાર્યક્રમ" શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યનાં ૧૦ જિલ્લાનાં ૧૩ તાલુકાઓ પૈકી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતગર્ત "સંપૂર્ણતા અભિયાન" શરૂ થવા જઈ રહ્યું છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતે તા.૦૪.૦૭.૨૦૨૪ ના રોજ લાલજી મહારાજની જગ્યાના હોલમાં "સંપૂર્ણતા" અભિયાન લોન્ચ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન અન્વયે આજરોજ સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે સાયલા મામલતદાર કચેરી, સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ સાથે સંબધિત વિભાગના અધિકારીઓએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ જરૂરી તૈયારીઓ, વ્યવસ્થાઓ ચકાસી હતી. તેમજ બેઠકમાં વિભાગ મુજબ જરૂરી કામગીરીની સોંપણી નક્કી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આરોગ્ય તપાસણી કેમ્પ, બાળકો દ્વારા રેલી, આઈ.સી.ડી.એસ. ના બહેનો દ્વારા પોષણ આહાર/ વાનગીઓનું નિદર્શન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં નીતિ આયોગના અધિકારી/પ્રતિનિધિ, સાયલા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતો, ABP સાથે જોડાયેલા ૧૩૦ સખી મંડળના સભ્યો પૈકી દરેક મંડળનાં એક બહેન, આંગણવાડીના બહેનો, આશા વર્કર બહેનો તથા આરોગ્યકર્મીઓ જોડાશે. ઝુંબેશની ગતિ ચાલુ રહે અને સહભાગિતાને પ્રોત્સાહિત કરી શકાય તે માટે આ કાર્યક્રમમાં "સંપૂર્ણતા અભિયાન પ્રતિજ્ઞા" લેવડાવવામાં આવશે.
મહત્વકાંક્ષી તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાં આરોગ્ય, પોષણ, કૃષિ, સામાજિક વિકાસ અને શિક્ષણ સહિતના સૂચકાંકોમાં ૧૦૦% સિદ્ધિ હાંસલ કરી શકાય તે હેતુથી દેશભરમાં "સંપૂર્ણતા અભિયાન" ચલાવવામાં આવનાર છે. આ સૂચકાંકોની સંતૃપ્તિ માટે તા.૦૪ જુલાઈ થી તા.૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ એમ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન જુદા જુદા એકશન પ્લાન મુજબ "સંપૂર્ણતા અભિયાન" હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેવાડાના માનવી સુધી વિકાસનાં ફળો પહોંચતા કરવા સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે વિકાસ સાધવામાં પાછળ રહી ગયા હોય તેવાં જિલ્લા, તાલુકા, ગામ, વિસ્તારોને વિકાસની અગ્રીમ હરોળમાં લાવવા માટે સરકાર દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારત સરકારના 'નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (NITI)' નીતિ આયોગ દ્વારા દેશભરમાંથી ૧૧૨ મહત્વકાંક્ષી જિલ્લાઓ (Aspirational District Programme -ADP) અને ૫૦૦ જેટલા મહત્વકાંક્ષી તાલુકાઓ (Aspirational Block Programme -ABP) જાહેર કરવામાં આવ્યા છે.