*સુરેન્દ્રનગરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો*
************
*ભારતીય સંસ્કૃતિ અને ઋષિમુનિઓએ માનવ જાતને આપેલી મહામૂલી ભેટ એટલે યોગ*
*******
*માત્ર આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જ નહીં પરંતુ લોકો યોગને પોતાની રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવે તે દિશામાં યોગ બોર્ડ સતત કાર્યરત*
*:-નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણા*
************
*માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:-*
સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત સરકાર તથા રાજ્ય સરકારશ્રી દ્વારા ‘સ્વયં અને સમાજ માટે યોગ'ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત નડાબેટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ જ શ્રેણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
સૌને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના પાઠવતા નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિ અને આપણા ઋષિમુનિઓએ માનવ જાતને આપેલી મહામૂલી ભેટ એટલે યોગ. યોગને વિશ્વ ફલક પર લઈ જવા અને માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવ સાથે વિશ્વના ૧૯૩ દેશોએ સહમત થઈને એનો સ્વીકાર કર્યો. ત્યારથી ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભારત દેશ વસુધૈવ કુટુમ્બકમની ભાવના વાળો દેશ છે. વર્ષ ૨૦૧૫માં યોગ દિવસની શરૂઆત થઈ અને છેલ્લા ૧૦ વર્ષથી ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, લોકો યોગનું મહત્વ સમજે અને હર ઘર સુધી યોગ પહોંચે એ માટે વર્ષ ૨૦૧૯માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. માત્ર આંતરરાષ્ટ્રીય યોગ દિવસે જ નહીં પરંતુ લોકો કાયમી ધોરણે યોગ કરતાં થાય, યોગને પોતાની રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવે એ દિશામાં યોગ બોર્ડ સતત કાર્યરત છે. લોકોમાં યોગ પ્રત્યેની જાગૃતિ કેળવાય એ માટે યોગ બોર્ડ દ્વારા સતત યોગ શિબિરો, રેલીઓ, સ્પર્ધાઓ, યોગ સમર કેમ્પ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અત્યારે યોગને પણ સ્પોર્ટ્સનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગત વર્ષે ખેલ મહાકુંભમાં યોજાયેલ યોગ સ્પર્ધામાં ૭૮ હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આજે ગ્રામ્ય કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ વગેરે જગ્યાએ મળી રાજ્યમાં ૭૨ હજાર કરતાં વધારે સ્થળો યોગના કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. વધુમાં તેમણે જિલ્લા કક્ષાના સફળ કાર્યક્રમ બદલ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદબોધન ઉપસ્થિત સૌએ રસપુર્વક સાંભળ્યું હતું.
આ પ્રસંગે યોગ કોર્ડીનેટર શ્રી નીતા દેસાઈએ ઉપસ્થિત સૌ લોકોને વજ્રાસન, ભદ્રાસન, તાડાસન, વૃક્ષાસન, પાદ હસ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસન, અર્ધ-ઉષ્ટ્રાસન, પૂર્ણ-ઉષ્ટ્રાસન, ઉત્તાનમંડૂકાસન, વક્રાસન, મકરાસન, ભુજંગાસન, શલભાસન, સેતુ બંધાસન, ઉત્તાનપાદાસન, અર્ધહલાસન, પવનમુક્તાસન, શવાસન, કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ધ્યાન સહિતના યોગાસન કરીને યોગ નિદર્શન કર્યું હતું. ત્યારબાદ સૌ લોકોએ નિયમિત યોગ કરવા માટે સંકલ્પ લીધો હતો અને રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી.
આ યોગ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્ના, પોલીસ અધિક્ષકશ્રી ડૉ.ગિરીશ પંડ્યા, નિવાસી અધિક કલેકટરશ્રી આર.કે.ઓઝા, વઢવાણ પ્રાંત અધિકારીશ્રી નિકુંજ ધુળા, નગરપાલિકા પ્રમુખશ્રી જીજ્ઞાબેન પંડ્યા સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તેમજ પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.