*લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪*
*જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે DMCAE બેઠક યોજાઈ*
*જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દિવ્યાંગ મતદારો માટે સાઈન લેંગ્વેજ જાણકાર, વ્હીલચેર, સ્વયંસેવકો, બ્રેઇલ લિપિમાં વોટર ગાઈડ, વોટર સ્લીપ અને બેલેટ પેપર સહિતની સુવિધાઓ*
લોકસભા ચૂંટણી-૨૦૨૪ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ વ્યક્તિ મતદાનથી વંચિત ના રહી જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને ચૂંટણી તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાનો દરેક મતદાર પોતાના મત આપવાના અધિકારનો ઉપયોગ કરી શકે એ માટે તંત્ર દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. મહિલાઓ, યુવાઓ કે દિવ્યાંગો માટે મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.સી.સંપટના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી સભાખંડ ખાતે District Monitoring Committee on Accessible Election (DMCAE) બેઠક મળી હતી.
આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.સી.સંપટે જણાવ્યું હતું તે, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીને સશક્ત કરે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે. મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન થાય તેમજ એકપણ વ્યક્તિ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યા વિના રહી ન જાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગ મતદારોની સુવિધા પર પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. મતદાનના દિવસે દરેક મતદાન મથક પર વ્હીલચેરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત મતદાન મથક ખાતે સ્વયંસેવકોની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ચૂંટણી ફરજમાં નિમાયેલા અધિકારીઓ/ કર્મચારીઓને તાલીમમાં દિવ્યાંગ વ્યક્તિઓ સાથે વાણી વર્તન અને બેઝિક સાઈન લેંગ્વેજની પણ તાલીમ આપવામાં આવી છે.
જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમમાં કરાયેલી સુવિધા વિશેની વાત કરતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જિલ્લામાં કાર્યરત કંટ્રોલ રૂમમાં દિવ્યાંગ મતદારો તરફથી આવતી ફરિયાદનું નિવારણ સમય મર્યાદામાં થાય તેની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગતા ધરાવતા મતદારોને મતદાનના દિવસે સહાયરુપ થવા માટે જિલ્લા કક્ષાએ સાઈન લેંગ્વેજના જાણકાર વ્યક્તિઓની સેવા ઉપલબધ થાય તે માટે સાઈન લેંગ્વેજના જાણકારની નિમણુક કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારો વીડિયો કોલ કરીને આ સાઈન લેંગ્વેજના જાણકાર કર્મચારીશ્રીઓ પાસેથી મતદાનને લગતું માર્ગદર્શન મેળવી શકશે અને મતદાનના દિવસે દિવ્યાંગ મતદારો પોતાની સમસ્યા અને પ્રશ્નો પણ જણાવી તેનું સમાધાન પણ મેળવી શકશે. દિવ્યાંગ વ્યક્તિઓને મતદાન કરવામાં કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે બ્રેઇલ લિપિમાં વોટર ગાઈડ, વોટર સ્લીપ અને બેલેટ પેપરની વ્યવસ્થા કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં દિવ્યાંગ મતદારોની ભાગીદારી વધે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ૨૫૦ વ્હીલચેર અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને વિવિધ ઉદ્યોગ સાહસિકો દ્વારા પણ ૪૦૦ વ્હીલચેર આપવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૧૫૮૫ જેટલા પ્રજ્ઞાચક્ષુ મતદારો નોંધાયા છે. આ પ્રકારના મતદારો માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવા જિલ્લા વહીવટી તંત્રએ સઘન આયોજન હાથ ધર્યું છે.
આ બેઠકમાં પદ્મશ્રી મુક્તાબેન ડગલી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અર્જુન ચાવડા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.કે.ભટ્ટ, RCHO શ્રી પી.કે.શ્રીવાસ્તવ, આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ, જીવન સ્મૃતિ મંદબુદ્ધિના બાળકોની તાલીમ શાળાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.