મોરબીમાં છરીના ઘા ઝીંકી હત્યા કરનારને આજીવન કેદની સજા, ૨ લાખનો દંડ
મોરબીમાં વર્ષ ૨૦૨૧ માં મારામારી થવા પામી હતી જેમાં ગાળો બોલવાની ના કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈને છરીના ઘા ઝીંકી દેતા યુવાનનું મોત થયું હતું જે બનાવ અંગેનો કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી આજીવન કેદની સખ્ત સજા અને રૂ ૨ લાખનો દંડ ફટકાર્યો છે.
જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. ૨૩-૧૧-૨૦૨૧ ના રાત્રીના બારેક વાગ્યે બાઈક બંધ પડી જતા ફરિયાદીના ભત્રીજા નવઘણ, અમનભાઈ જહાંગીર અને મુસ્તુફા ઉર્ફે મુસ્તાક બેઠા હોય ત્યારે આરોપી મોહસીન ઉર્ફે ગજની ખોખર આવી નવઘણને અહી કેમ ઉભો છો કહીને ગાળો આપતા નવઘણે ગાળો બોલવાની ના પાડી હતી જેથી આરોપી મોહસીન ઉશ્કેરાઈ જઈને છરી વડે મારી નાખવાના ઈરાદે છાતીમાં ડાબી બાજુએ એક ઘા મારી ગંભીર જીવલેણ ઈજા પહોંચાડી હતી જેથી ગંભીર ઈજાને પગલે ફરિયાદીના ભત્રીજા નવઘણનં મોત થયું હતું અને આરોપી બનાવવાળી જગ્યાથી નાસી ગયો હતો.
જે બનાવ અંગે એ ડીવીઝન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી અને આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો જે હત્યાનો કેસ બીજા એડીશનલ સેશન્સ જજ વિરાટ એ બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ દવેએ ૭ મૌખિક પુરાવા અને ૩૬ દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી મોહસીન ઉર્ફે ગજની કરીમ ખોખર (ઉ.વ.૨૬) રહે લજાઈ રામજી મંદિર સામે તા. ટંકારા વાળાને કસુરવાન ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ મુજબના ગુનામાં આજીવન કેદની સખ્ત સજા અને રૂ ૨ લાખનો દંડ ફટકાર્યો છે અને દંડની રકમ ના ભરે તો વધુ એક વર્ષની સખ્ત કેદની સજા ભોગવવા હુકમ કર્યો છે.
આરોપીએ જ્યુડીશીયલ કસ્ટડીમાં કાઢેલ સમય ફોજદારી કાર્યરીતી અધિનિયમની કલમ ૪૨૮ અન્વયે મજરે આપવા આદેશ કર્યો છે તેમજ હુકમની એક નકલ સચિવ, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મોરબીનાઓને ગુજરાત વિકટીમ કમ્પેઝીશન (એમેન્ડમેન્ટ) સ્કીમ ૨૦૧૯ અન્વયે મૃતકના કાયદેસરના વારસોને મળવાપાત્ર વળતર ચુકવવા સંબંધે જરૂરી કાર્યવાહી અર્થે મોકલી આપવા આદેશ કરાયો છે.