*લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪*
*ચોટીલા તાલુકામાં ઓછું મતદાન ધરાવતા મતદાન મથકોએ યોજાયો "ચુનાવ પાઠશાળા કાર્યક્રમો*
*બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘરે - ઘરે મુલાકાત લઈ મતદારોને જાગૃત કરવાની સાથે મતદાન આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરાયું*
લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૨૪ અન્વયે ૦૯ – સુરેન્દ્રનગર સંસદીય મત વિસ્તારમાં મહતમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી કે.સી.સંપટનાં નેતૃત્વ હેઠળ મતદાનની નૈતિક ફરજ નિભાવવા જનજાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે ૬૩-ચોટીલા વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ચોટીલા તાલુકામાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી કલ્પેશ કુમાર શર્માના માર્ગદર્શન હેઠળ ૫૦ % કરતા ઓછું મતદાન તેમજ પુરુષ અને સ્ત્રી મતદારના મતદાનમાં ૧૦% કરતા વધુ તફાવત રહેલો હોય તેવા તમામ મતદાન મથકોએ "ચુનાવ પાઠશાળા કાર્યક્રમ" યોજવામાં આવ્યો હતો.
"ચુનાવ પાઠશાળા કાર્યક્રમ"માં લોકશાહીને સશકત કરવા માટે મતાધિકારનો સમજપૂર્વક ઉપયોગ કરવાની સાથે ચૂંટણી પ્રક્રિયા, મતદાન મથક, ચૂંટણીલક્ષી સેવાઓ આપતી એપ્લિકેશન્સ સહિતની બાબતો વિશે સમજૂતી તેમજ મતદાનના દિવસે મતદાનને પ્રાથમિકતા આપવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. મહિલાઓએ ચૂંટણીલક્ષી માહિતીઓથી વાકેફ કરતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. તદુપરાંત મતદાનમાં મહિલાઓની ભાગીદારી વધારવા તથા ઓછું મતદાન ધરાવતાં વિસ્તારોમાં મહિલા મતદારોને મત આપવા માટે પ્રેરિત કરવા બી.એલ.ઓ. (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે – ઘરે મુલાકાત લઈ આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. મતદાનની પાત્રતા ધરાવતા પરિવારના તમામ સભ્યો અચૂક મતદાન કરે, તેવી અપીલ સાથે મતદારોને સમજૂત કરવામાં આવ્યા હતા. આ તકે મહિલા મતદાતાઓને પરિવાર સાથે અચૂક મતદાન કરવા અને કરાવવા 'હું મતદાન કરીશ’ના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા.