સુરજબારી-માળિયા હાઈવે પર દરિયા જેવો લાંબો ટ્રાફિક જામ, સેંકડો વાહનચાલકો ફસાયા.
કચ્છથી માળીયા તરફ આવતા સુરજબારી પૂલ નજીક બ્રિજનું કાર્ય નિર્માણાધિન છે. આ બ્રિજને પગલે સુરજબારી-માળિયા હાઈવે પર એક તરફથી ફરજિયાતપણે વાહન ચાલકોએ પસાર થવું પડે છે. જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાય છે અને કલાકો સુધી વાહનનોની કતારબંધ લાઇન લાગેલી રહે છે. હાલ સેકડો વાહનો ફસાયેલા છે અને બંને તરફના વાહનો એક જ માર્ગે ધીમી રફતાર સાથે આગળ વધી રહ્યા છે. ટ્રાફિક નિયંત્રણ માટે સુરજબારીથી ટોલની હાઇવે પેટ્રોલિંગ ટીમ અને માળિયા પોલીસ જહેમત ઉઠાવી રહી છે.
નોંધનીય છે કે પોલીસ તંત્ર દ્વારા તો ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે જહેમત ઉઠાવવામાં આવી જ રહી છે પરંતુ કેટલાક વાહન ચાલકો દ્વારા રોંગ સાઈડમાં પોતાનું વાહન હંકારવાને પગલે પણ ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાઈ રહી છે. હાલ કલાકો સુધી આ માર્ગ પર નાના મોટા સેંકડો વાહનો ટ્રાફિક જામના કારણે અટવાઈ પડ્યા છે. અને કાચબા ગતિએ વાહનો આગળ ધપી રહ્યા છે.