આધેડ વયનો વ્યક્તિ યુવતીઓની છેડતી કરતો હતો, જેને પગલે વિદ્યાર્થિનીઓએ એકઠા થઈને રંગીલા ભાભાની શાન ઠેકાણે લાવી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો.
અતુલ જોષી,મોરબી: છેલ્લા ઘણા સમયથી યુવતીઓ અને મહિલાઓની છેડતીને લઈને વારંવાર અનેક કિસ્સાઓ સામે આવતા રહ્યા છે. ત્યારે ફરીથી આવી એક ઘટના મોરબીમાંથી સામે આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ રોમિયો યુવાન નહીં પરંતુ 60 વર્ષનો વૃદ્ધ છે. મોરબીમાં સુપર માર્કેટ આજુ બાજુમાં ઘણી સ્કૂલો આવેલી છે, જેમાં અનેકો વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. જેથી ત્યાં અવાર નવાર આવારા તત્વો આંટા ફેરા મારતા હોય છે. જેને અમુક દીકરીઓ સહન કરે છે, જ્યારે અમુક દીકરીઓ રણચંડી બનીને તેને મેથીપાક ચખાવે છે. તેવો જ એક બનાવ આજે બન્યો હતો.
મોરબીના સુપર માર્કેટ પાસે એક આધેડને વિદ્યાર્થિનીઓ મેથીપાક દેતા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. વિદ્યાર્થીનીઓના જણાવ્યા મુજબ, આ આધેડ વયનો વ્યક્તિ યુવતીઓની છેડતી કરતો હતો, જેને પગલે વિદ્યાર્થિનીઓએ એકઠા થઈને રંગીલા ભાભાની શાન ઠેકાણે લાવી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ વીડિયોમાં 5થી 7 દીકરીઓ એક વૃદ્ધને મેથિપાક ચખાડતી હોય તેવું જોવા મળી રહ્યું છે.
આ બાદ, 181 અભયમ હેલ્પ લાઈનમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આધેડની અટકાયત કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા વિદ્યાર્થિનીની ફરિયાદને આધારે 60 વર્ષીય રંગીલા આધેડ ઓધવજી બાબુ ઓધવિયા વિરૂદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. આવી કોઈ પણ ઘટના આપણી આસપાસ બનતી હોય તો આપણે એક જાગૃત નાગરિક થઈને આવી ઘટનાનો પ્રતિકાર કરવો જોઈએ અને પોલીસને જાણ કરીને યોગ્ય કાર્યવાહીમાં મદદરૂપ થવું જોઈએ.