બાઈપોરજોયની ગુજરાતના દરિયાકાંઠે કેટલી અસર થશે? જાણો શું છે હવામાનશાસ્ત્રીની મોટી આગાહી
આગામી 36 કલાકમાં બિપોરજોય તોફાન વધુ તીવ્ર બનશે. જેના કારણે ગુજરાતના માછીમારોને દરિયાકાંઠેથી પરત બોલાવવામાં આવ્યા છે.
નવી દિલ્હી: અરબી સમુદ્રમાં ઉદ્ભવતા ‘અતિ ગંભીર’ ચક્રવાતી તોફાન ‘બિપોરજોય’ ત્રણ દિવસમાં વધુ તેજ થવાની શક્યતા છે. આ ચક્રવાત ભારતીય તટથી દૂર રહેશે કારણ કે તે ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગના (IMD) જણાવ્યા પ્રમાણે, દરિયાની સપાટીના તાપમાનમાં વધારો થવાને કારણે શક્તિશાળી તોફાનો વધુ વારંવાર આવી રહ્યા છે. વરિષ્ઠ વૈજ્ઞાનિક અને IMD પુણેના વડા, ડૉ. કે.એસ. હોસાલિકરે ને જણાવ્યું કે, ‘અત્યારે અમને ભારતના દરિયાકાંઠાના વિસ્તારો પર કોઈ સીધી અસર થવાની આશા નથી. તાજેતરની આગાહી સૂચવે છે કે, ચક્રવાત દરિયાકાંઠેથી ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.
બિપોરજોય વાવાઝોડાને કારણે અરબી સમુદ્રમાં 25-28 ફૂટ ઊંચા મોજા ઉછળવાની આશંકા છે. આ વર્ષે અરબી સમુદ્રમાં પ્રથમ ચક્રવાત બિપરજોયને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
સાયક્લોન બિપોરજોયના કારણે 10, 11 અને 12 જૂને પવનની ઝડપ 45 થી 55 કિમી સુધી જઈ શકે છે. પવનની ઝડપ 65 નોટના નિશાનને પણ પહોંચી શકે છે. ચક્રવાતને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં IMDના હવામાન કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, તમામ બંદરોને રિમોટ વોર્નિંગ સિગ્નલ ફરકાવવા માટે કહેવામાં આવ્યું છે.
આગામી 36 કલાકમાં બિપરજોય તોફાન વધુ તીવ્ર બનશે. જેના કારણે ગુજરાતના માછીમારોને દરિયાકાંઠે પરત બોલાવવામાં આવ્યા છે. IMDએ કહ્યું કે, ચક્રવાત બિપોરજોયથી ભારત, ઓમાન, ઈરાન અને પાકિસ્તાન સહિત અરબી સમુદ્રને અડીને આવેલા દેશો પર હજુ સુધી કોઈ મોટી અસરની આગાહી કરવામાં આવી નથી.
જામનગર કલેક્ટર બી.એ.શાહે જણાવ્યું હતું કે, જો જરૂર પડે તો જિલ્લાના દરિયા કિનારે આવેલા 22 ગામડાઓમાં આશરે 76,000 લોકોને સલામત સ્થળે મોકલવાનું મોટું આયોજન કરવામાં આવ્યું છે.
હાલમાં એવી કોઈ આગાહી નથી કે ચક્રવાત બિપરજોય દરિયાકાંઠાની નજીક આવશે. ડો. કે.એસ. હોસાલીકરે આ અંગે જણાવ્યું હતું કે ‘ માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે અને પશ્ચિમ કિનારે યોગ્ય સાવચેતી રાખવી જોઈએ. દરિયામાં તીવ્ર તોફાન છે. ‘પૂર્વ-મધ્ય અરબ સમુદ્રમાં ‘ખૂબ જ ગંભીર’ ચક્રવાતી તોફાન ચાલુ છે. મધદરિયે 135-145 કિ.મી. પ્રતિ કલાકથી 160 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 10 જૂન સુધીમાં પવનની ઝડપ 170 કિ.મી. પ્રતિ કલાકે પહોંચવાની પણ શક્યતા છે. IMD અનુસાર, આ વાવાઝોડું 13 જૂન સુધી તો ખૂબ જ ગંભીર રહી શકે છે.
ચક્રવાત બિપોરજોયને ટ્રેક કરતા વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, તે ગુરુવાર બપોર સુધી ગોવાના પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં લગભગ 850 કિમી, મુંબઈથી 890 કિમી દક્ષિણ-પશ્ચિમ અને પોરબંદરથી 900 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત છે. છેલ્લા કેટલાક કલાકોમાં તે ઉત્તર તરફ આગળ વધ્યું છે. નવીનતમ આગાહી સૂચવે છે કે, ચક્રવાત બિપોરજોય આગામી 24 કલાકમાં ધીમે ધીમે તીવ્ર બનશે અને આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે.
જોકે ચક્રવાત દેશના પશ્ચિમ કિનારેથી કેટલાક સો કિલોમીટર દૂર છે. આમ છતાં ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. દરિયામાં તોફાન છે તેથી 14 જૂન સુધી દરિયામાં માછીમારી બંધ રાખવા માટે કહેવામાં આવ્યું છે.