ભાજપ અધ્યક્ષના નજીકનો હોવાનું કહીને ત્રણ રાજ્યના છ ધારાસભ્યો સાથે ચીટીંગ કરનાર ઇસમ મોરબીથી ઝડપાયો.

Machhu news morbi
મોરબીના લખધીરપુર રોડ પરના કારખાના નજીકથી દબોચી લીધો.

તાજેતરમાં મહાઠગ કિરણ પટેલે સમગ્ર તંત્રને બાનમાં લઈને વીઆઈપી હોવાનો ઢોંગ રચીને અનેક લોકોને શીશામાં ઉતાર્યાનો પર્દાફાશ થયો છે અને તે પ્રકરણની તપાસમાં હજુ નવા ખુલાસો થઇ રહ્યા છે ત્યારે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નજીકના હોવાનું કહીને એક ઇસમેં મંત્રીપદની લાલચ આપી ત્રણ રાજ્યના છ ધારાસભ્યને છેતરવાનો પ્રયાસ કર્યો હોય જે પ્રકરણમાં નાગપુર પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ નાગપુર પોલીસે મોરબીથી એક ઇસમની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

જે બનાવની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની નજીક હોવાનો દાવો કરીને છ ધારાસભ્યોને છેતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને મંત્રી પદની લાલચ આપી પૈસાની માંગણી કરવામાં આવી હતી જે બનાવ મામલે નાગપુર પોલીસ મથકમાં ચીટીંગની ફરિયાદ નોંધાઈ હતી જેથી નાગપુર પોલીસ તપાસ માટે મોરબી આવી હતી અને એલસીબી ટીમને સાથે રાખી મોરબીના લખધીરપુર રોડ પર આવેલ સ્વીઝર સિરામિક પાસેથી આરોપી નીરજસિંહ શિવરાજસિંહ રાઠોડ (ઉ.વ.૩૭) રહે મૂળ યુપી હાલ મોરબી વાળાને ઝડી લઈને નાગપુર લઇ જવામાં આવ્યો હતો જે આરોપીની ધરપકડ મામલે બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધ પણ કરવામાં આવી છે.

વધુમાં સુત્રોએ જણાવ્યું હતું કે આરોપી નીરજસિંહ શિવરાજસિંહ રાઠોડ દ્રારા મહારાષ્ટ્રના ચાર ધારાસભ્ય તથા ગોવા અને નાગાલેંડના એક-એક ધારાસભ્ય એમ કુલ છ ધારાસભ્યનો સંપર્ક કરવામાં આવ્યો હતો આરોપી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની નજીકના હોવાનો દાવો કરીને મંત્રી પદ આપવાના બદલામાં પૈસાની માંગણી કરી હતી અને કેટલાક ધારાસભ્યોએ પૈસા પણ આપ્યા હતા ત્યારે આરોપીને નાગપુર પોલીસ ટીમ ધરપકડ કરી લઇ ગઈ છે અને ગેંગમાં અન્ય કોણ સામેલ છે એકલા આરોપીએ સમગ્ર કારસ્તાન રચ્યું કે પછી આખી ગેંગ કાર્યરત છે તે દીશામાં પણ પોલીસે તપાસ ચલાવી છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !