બદલાતી વ્યવસ્થાથી બેરોજગાર
પહેલાં જેવું ધંધામાં હવે કંઈ રહ્યું નથી .આવું બોલતા ઘણા ધંધાદારીઓ બજારમાં જોવા મળતા હોય છે. વૈશ્વિકરણ કે ઉદારીકરણની વેપાર નીતિ દરેક દેશમાં સ્થાનિક અને નાના વેપારીઓને લગભગ નવરા કરી નાખવાં માટે સક્ષમ હોય છે. મૂડીવાદી વ્યવસ્થાનો અંત અને પરીણામ તીવ્ર આર્થિક અસમાનતા પાસે હોય છે. જૂથમાં રહેતા અને સરકારો પાસે મનગમતી નીતિઓ બનાવવા માટે સક્ષમ હોય તે ધંધાદારીઓ જ વિદેશી વેપાર આક્રમણ સામે બચી શકશે.
એ સિવાય પણ માળખાકીય સુવિધાઓ અને ટેકનોલોજીમાં આવતા ફેરફારો પણ નાના વેપારીઓને નોકરી શોધતા કરી મૂકે છે. જેમકે કેમેરાના રોલ ધોવાની દુકાન ચલાવતા કે ટુ સ્ટ્રોક વાહનોનાં પૂર્જા અને રીપેરીંગ કામ કરનારા, ટેલિફોન વેચનારા અને રીપેર કરનારા વેપારીઓ નવી ટેકનોલોજી આવવાથી અસરગ્રસ્ત થયા છે. હજુ પણ દેશમાં ગતિશક્તિ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ બે ચાર ટ્રક લઈને લાંબા અંતર સુધી કન્ટેનર પહોંચાડનારા ટ્રાન્સપોર્ટરને નાના અંતરના જ ફેરા મળે તેવી સ્થિતિ સર્જાવાના પૂરાં સંજોગો જણાય રહ્યા છે. એ સાથે જ ડીઝલની ખપત ઓછી થતાં હાઈવે પરનાં પેટ્રોલ પંપ સંચાલકો અને લાંબા અંતરની ગાડીઓને સુવિધાઓ આપનારા હોટલ સંચાલકોનાં વ્યવસાયને પણ ઘણી જ અસર થવાની શક્યતા રહેલી છે. જેનું એક ઉદાહરણ કચ્છના નલીયા અને પાનધ્રોની ખાણ બંધ થવાથી ત્યાંનાં ટ્રાન્સપોર્ટ વાહન સંચાલકો અને હોટલ સંચાલકોની વર્તમાન પરિસ્થિતિ જોઈને મેળવી શકાય છે.
મોટા ઉધોગોને આવકાર માટે બનાવવામાં આવેલી નીતિઓ નાના વેપારીઓને લોન લેવાની લાઈનમાં ઉભા કરતી હોય છે. ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ અમલમાં મૂકી પુસ્તકોમાંથી ભલે કાઢી નાખવામાં આવે પરંતુ વેપારની દુનિયાનું અંતિમ સત્ય પણ તે જ છે. જો મોટા ઉધોગપતિઓ પ્રજા અને સરકારનાં રૂપિયે ખોટમાં છ મહિના ધંધો કરી મફત સેવા આપે તો લાખો નાના વેપારીઓને છ મહિના પછી તેની જ કંપનીમાં નોકરી માટે આવેદનપત્ર આપવું પડે તેવી સ્થિતિ સર્જાતા ઘણા દેશોમાં જોવા મળ્યું છે. થોડા લોકો દેશની સંપતિનો મોટો હિસ્સો ધરાવે પછી કરવેરાની રાહત અને નીતિ અનુસાર થોડી રકમથી સમાજસેવા કરે ત્યારે એ સેવા મેળવનારને તે સ્થિતિમાં પહોંચાડવામાં જવાબદાર કોણ? એ પ્રશ્નમાં જ વૈશ્વિકરણ અને મૂડીવાદી વ્યવસ્થાનાં પરીણામ સમાયેલા છે.
સૌનું થશે તે વહુનું થશે જેવી ધારણા બાંધી જે વેપારીઓ પોતાને તકલીફ આપતી નીતિઓ સામે મુંગા રહે છે તેમણે પોતાના સંતાનો માટે નોકરી શોધવાની તૈયારીઓ શરૂ કરવી જરૂરી છે કારણ કે વેપારની ગાદી મોટા ઉધોગગૃહો પાસે જતી રહેશે.
રિપોર્ટર : ન્યૂઝ તંત્રી કાળુભાઈ કે પાચીયા મૉરબી