મોરબીના કાંતિપુરમાં ખનીજ ચોરી કરનાર દિલીપ બીલ્ડકોન લીમીટેડ કંપનીને ૧.૦૩ કરોડનો દંડ ફટકારાયો મોરબી ખાણ ખનીજ વિભાગ ટીમે લેખિત નોટીસ મારફત દંડ ફટકાર્યો

Machhu news morbi

મોરબી પંથકમાં ખનીજ ચોરી મામલે દિલીપ બિલ્ડકોનને રૂ.1.03 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. મોરબીના ભુસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરે દિલીપ બિલ્ડકોન લીમીટેડ કંપનીને નોટિસ ફટકારી છે. મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ મોરબીના કાંતિપુરમાં ખાણ ખનીજ વિભાગે  કાંતિપુરમાં મસમોટી ખનીજચોરી પકડી પાડી હતી. આ ખનીજચોરી દિલીપ બિલ્ડકોન નામની કંપની જ કરી રહી હોવાનું ખાણ ખનીજ ખાતાની તપાસમાં સામે આવ્યું હતું.

સમગ્ર બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગત તારીખ 19 માર્ચના રોજ ખાણ ખનીજ વિભાગે મોરબીના કાંતિપુર ગામની વીડીમાંથી ખનીજચોરી કરતા 10 વાહનો કબજે કર્યા હતા અને આ તમામ દિલીપ બિલ્ડકોનના વાહનો હોવાનું માલૂમ થયું હતું. જેને લઈને કંપનીના મેનેજરને બોલાવી આધાર પુરાવા માગતાં તેઓ જવાબ આપી શક્યા ન હતા અને આખરે ખનીજચોરી જ થતી હોવાનું સાબિત થયું હતું. જેને લઈને ખાણ ખનીજ વિભાગે જ્યાંથી ખનીજચોરી થતી હતી તે ખોદકામની માપણી કરતા કુલ 37,220 મેટ્રિક ટન સાદી માટીનું ગેરકાયદે ખનન થયાનું સાબિત થયું હતું.

જેને લઈને ગુજરાત ખનીજ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રુલ્સ 2017ના નિયમ ભંગ બદલ કલમ 21 મુજબ કાર્યવાહી કરી કુલ 1,03,84,044 રૂપિયાનો દંડ કર્યો છે જેની નોટિસ દિલીપ બિલ્ડકોનના વડામથક ભોપાલ મોકલાઈ છે. આ સમાધાન રકમ ભર્યા બાદ જ ગુનાની માંડવાળ થશે. આ સિવાયની રજૂઆત માટે કંપનીને 7 દિવસની મુદત અપાઈ છે.

દંડની ગણતરીની વાત કરીએ તો બિનઅધિકૃત ખનન બદલ પ્રતિ ટન 175 લેખે 37220 ટનના 65,13,506, ખોદાણ કરનાર એસ્કેવેટર મશીનની કમ્પાઉન્ડિંગ ફી 2,00,000, પર્યાવરણીય નુકસાન બદલ વળતરની રકમ 26,70,538 અને 10 ડમ્પરની કમ્પાઉન્ડિંગ ફી 10,00,000 મળી કુલ રૂપિયા 1,03, 84,044નો દંડ ફટકારવામાં આવ્યો છે.

 

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !