ગુજરાત રાજ્યમાં ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 ની કલમ 32 = ક ના અસરકારક અમલ માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યની જમીનો, સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટે ગાઇડલાઇન વેલ્યુ એટલે કે જંત્રી સમયાંતરે નક્કી કરવામાં આવે છે. હાલમાં રાજ્યમાં બાર વર્ષથી જે જંત્રીના ભાવ અમલમાં છે તેમાં રાજ્ય સરકાર દ્વારા ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને આ ફેરફાર સોમવારથી જ લાગુ થશે.
સરકાર દ્વારા રાજ્યમાં 18 એપ્રિલ 2011 થી જંત્રીના દરો નક્કી કરવામાં આવ્યા હતા. જે પાંચમી ફેબ્રુઆરી 2023 થી બે ગણા કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. 2011માં મિલકતના દર પ્રતિ ચોરસ મીટરના 100 નક્કી થયા હોવાથી હવે બે ગણા એટલે કે 3. 200 ગણવાના રહેશે. રાજ્યમાં 2011 માં અમલી જંત્રીના અમલીકરણ માટેના માર્ગદર્શનો બહાર પાડવામાં આવ્યા હતા, તે રદ્દ કરી નવેસરથી ગાઇડ લાઇન અમલમાં મૂકવામાં આવશે. તારીખ 5 ફેબ્રુઆરી 2023 કે તે પછી સહી થયેલ નોંધણી અર્થે રજૂ થતાં લેખોમાં સ્થાવર મિલકતની બજાર કિંમત નક્કી કરતા, 2011 માં નક્કી થયેલા દરના બે ગણા કરી સ્થાવર મિલકતની બજાર કિંમત નક્કી કરવાની રહેશે. નોંધણી અર્થે રજૂ થતા લેખોમાં જ્યાં જરૂર જણાય ત્યાં સ્થાવર મિલકતની બજાર કિંમત નક્કી કરવા અંગેની કાર્યપદ્ધતિ અંગે વિગતવાર સૂચના સુપ્રિ. ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણી સર નિરીક્ષક ગુજરાત રાજ્ય, ગાંધીનગર બહાર પાડશે.