સમાજનું બંધારણ અને તેના હેતુ વિચારથી કાર્ય સુધી.
સમાજનું બંધારણ એટલે માત્ર નિયમો કે કાયદાનો બંધોબસ્ત નહીં,પરંતુ સમાજને સંવેદનશીલ રીતે આગળ ધપાવતી મૂલ્યઆધારિત વ્યવસ્થા.
સમાજનું બંધારણ સમાજ ચલાવવાના મૂળ સિદ્ધાંતો, નિયમો અને મૂલ્યો પરથી ઊભું રહે છે, જેમાં સમાનતા, સહકાર, સંસ્કાર, જવાબદારી અને પરસ્પર સહાયનો ભાવ મૂળમાં હોય છે.આ તત્વો જ્યારે જીવનમાં ઉતરે છે ત્યારે સમાજ જીવંત બને છે. નહીંતર તે માત્ર સ્વાર્થપ્રધાન ભીડ બની રહે છે.સમાનતા સમાજની રીઢ છે.
કોઈ વ્યક્તિ ધન, હોદ્દો કે પ્રતિષ્ઠાના આધારે મોટી-નાની ન ગણાય એ જ સમાનતાની સાચી સમજ છે. સમાનતા સાથે સહકાર જોડાયેલો છે. “હું”માંથી “અમે” તરફનો વિચાર સહકારને જન્મ આપે છે.જ્યારે દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે યોગદાન આપે છે અને જરૂર પડે ત્યારે એકબીજાને સહારો આપે છે, ત્યારે જ સમાજમાં વિશ્વાસ અને એકતા ટકીને રહે છે. સંસ્કાર સમાજના બંધારણનું આત્મતત્વ છે. સંસ્કાર એટલે દેખાડો નહીં, પરંતુ સંયમ, સંવેદના અને સદભાવ.
આજના સમયમાં પ્રસંગોને અતિશય ખર્ચ અને સ્પર્ધાનો વિષય બનાવવામાં આવે છે, ત્યારે સંસ્કાર ધીમે ધીમે ખોવાઈ જાય છે. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ પોતાના આનંદના પ્રસંગને સમાજહિત સાથે જોડે છે,ત્યારે સંસ્કાર જીવંત રહે છે. જવાબદારી પણ એટલી જ મહત્વની છે.સમાજમાં રહેતો દરેક વ્યક્તિ માત્ર અધિકાર નહીં, પરંતુ કર્તવ્યની સમજ ધરાવે એ જ સાચું સમાજબંધારણ છે.આ વિચારને કાર્યરૂપ આપતી ઉમા આદર્શ લગ્ન જેવી પહેલ સમાજના બંધારણનો સજીવ ભાગ છે. આ યોજના સ્પષ્ટ સંદેશ આપે છે કે જેમને સંપત્તિ છે તેઓ પોતાના પ્રસંગે સંયમિત ખર્ચ કરીને સમાજહિતમાં યોગદાન આપી શકે.પરિણામે મધ્યમ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક બોજ વિના, સ્વાભિમાન સાથે જીવનની નવી શરૂઆત કરવાની તક મળે છે.આ વિચારને જીવંત ઉદાહરણ રૂપે દિનેશભાઈ ભીમજીભાઈ લોરિયાનું કાર્ય સમાજ માટે પ્રેરણાસ્રોત છે. પોતાની લાડકી દીકરી દેવાંશીના પવિત્ર લગ્ન તેઓ ધામધૂમથી ઉજવી રહ્યા છે, સાથે સાથે સમાજ પ્રત્યેની પોતાની પવિત્ર ફરજ પણ નિભાવી રહ્યા છે. પોતાની ખુશીના પ્રસંગે ઉમા આદર્શ લગ્ન યોજનામાં પાંચ દીકરીઓના લગ્ન માટે દાતા બનીને તેમણે માત્ર સહાય નથી કરી,પરંતુ સમાજધર્મ અને સંસ્કારનું જીવંત ઉદાહરણ પૂરું પાડ્યું છે.જ્યાં એક તરફ પોતાની દીકરીના લગ્નની ખુશી છે,ત્યાં બીજી તરફ અજાણી દીકરીઓના જીવનમાં ખુશીના દીવા પ્રગટાવવાનો મહાન સંકલ્પ છે.
આવો ઉદાર અને કરુણાભર્યો ભાવ સમાજના બંધારણને મજબૂત બનાવે છે.અહીંજરૂરિયાતમંદને દયા નહીં,પરંતુ સન્માન મળે છે અને સમૃદ્ધને દાન નહીં, પરંતુ જવાબદારીની અનુભૂતિ થાય છે.અંતે સમાજના બંધારણનો હેતુ માત્ર વ્યવસ્થા જાળવવાનો નથી, પરંતુ માનવીને માનવી તરીકે વિકસાવવાનો છે.સમૃદ્ધનો સહયોગ અને જરૂરિયાતમંદનો સન્માન આ જ સાચું સમાજબંધારણ.છે તેવું ઉમા સંસ્કારધામ મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે.