RMCને ગટરનાં ઢાંકણા સહિતના પ્રશ્નો મુદ્દે પગલાં લેવા રાજ્ય માનવ અધિકાર આયોગનો આદેશ

Machhu news morbi
*RMCને ગટરનાં ઢાંકણા સહિતના પ્રશ્નો મુદ્દે પગલાં લેવા રાજ્ય માનવ અધિકાર આયોગનો આદેશ*
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*
*૮મી નવેમ્બરે થનારી સુનાવણીમાં અહેવાલ સાથે હાજર રહેવા નિર્દેશ*
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*
*રાજકોટ તા. ૦૫ નવેમ્બર -* ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે રાજકોટમાં તૂટેલા ગટરના ઢાંકણા તેમજ સંબંધિત પ્રશ્નો મુદ્દે ખાસ ટીમ બનાવીને તે અંગે પગલાં લેવા માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને હુકમ કર્યો છે. આ સાથે ૮મી નવેમ્બરે આયોગ સમક્ષની સુનાવણીમાં આ પગલાંની વિગતોના અહેવાલ સાથે સંબંધિત અધિકારીને હાજર રહેવા ફરમાવ્યું છે.
 ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે ૧૮મી ઓક્ટોબર, ૨૦૨૪ના રોજ સુનાવણી હાથ ધરી હતી. આયોગના સમન્સ મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ચીફ એન્જિનિયર શ્રી કે. કે. મહેતા સુનાવણીમાં હાજર રહ્યા હતા. આ તકે રાજકોટ મહાનગર પાલિકા પ્રશાસન તરફથી ગટરના તૂટેલા ઢાંકણા બાબતે રજૂ કરાયેલો બચાવ આયોગે માન્ય રાખ્યો નહતો. આયોગે હુકમમાં તેને કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી ગણાવી હતી. આ સાથે આયોગ દ્વારા આવા બનાવો ભવિષ્યમાં ના બને, તે માટેના ખુલાસા તેમજ આ મામલે સીટની રચના કેમ ના કરવી તેની જરૂરી સ્પષ્ટતાઓ સાથેનો અહેવાલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીને તા. ૮ નવેમ્બર ૨૦૨૪ પહેલાં રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી.
 આયોગે સુનાવણીમાં હાજર રહેલા આર.એમ.સી.ના શ્રી મહેતાને આ હુકમની જાણ સંબંધિતોને કરવા સૂચના આપી હતી. આ સાથે ગટર તેમજ અન્ય સમસ્યાઓ માટે તેઓના વડપણ હેઠળની ટીમ બનાવીને આ બાબતે શા પગલાં લીધાં, તેની જાણકારી ફોટોગ્રાફ સહિતના અહેવાલ સાથે તા. ૮મી નવેમ્બર ૨૦૨૪ના રોજ બપોરે ૧૩ કલાકે આયોગ સમક્ષ રૂબરૂ અથવા વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવા જણાવ્યું હતું. કાબુ બહારના વાજબી કારણો સિવાય તેમજ તે કારણોની વહેલામાં વહેલી તકે આયોગને જાણ કર્યા વગર નિયત સમયે હાજર રહેવામાં ચૂક બદલ સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮ના ઓર્ડર-૧૬ના નિયમ૧૦ અને ૧૨ હેઠળ પગલાં લેવા પણ જણાવાયું હતું.
 
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !