*પ્રગટાવી હતી તેઓએ આઝાદીની મશાલ, જેના પ્રકાશમાં આજે દેશ છે દૈદીપત્યમાન*
*સૌરાષ્ટ્રના સ્વતંત્રતા સેનાનીઓનું અનેરું યોગદાન : અંગ્રેજો સામે બાથ ભીડવા ત્રણ પેઢીઓએ સ્વતંત્રતાના યજ્ઞમાં પોતાનું જીવન હોમ્યું*
*ના ભૂલીએ સ્વતંત્રતાના વીર લડવૈયાઓને.. જેમણે તિરંગાને અપાવી ઉંચી ઉડાન*
*૭૮ મા સ્વાતંત્ર્ય દિને હયાત નથી તે વીર લડવૈયાની પૂણ્ય સ્મૃતિની યશગાથા ગાઈએ અને સ્વતંત્રતાના જીવંત યોધ્ધાઓના ચરણોમાં વંદન કરીએ*
૧૪ ઓગસ્ટ ૧૯૪૭ ની મધરાતે ભારતમાં આઝાદીનો સોનાનો સુરજ ઉગ્યો અને લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાયો, તે સ્વતંત્રતા દિનની આજની ૭૮મી પૂર્વ સંઘ્યાએ આપણે જે તિરંગાને સલામ કરીએ છીએ અને જે માતૃભૂમિના યશગાન ગાઈએ છીએ, તેની પાછળ દેશના લાખો લોકોના ૨૦૦ વર્ષના બ્રિટિન શાસનની ગુલામીની સાંકળોમાંથી દેશને મુક્ત કરાવવા માટેના ત્યાગ અને બલિદાનની એક અનોખી ગાથા છે. આવા નામી-અનામી આઝાદીના લડવૈયાઓને આપણે ભૂલી શકીએ નહીં. ગુજરાત અને સૌરાષ્ટ્રના વીર સપૂતોએ આઝાદીના જંગમાં સમગ્ર દેશની સાથે કદમથી કદમ મિલાવીને બ્રિટિશ શાસનને ભારત છોડવા મજબૂર કર્યું.
સૌરાષ્ટ્રમાંથી જ હજારો સ્વતંત્રતાના સૈનીકોએ બલિદાન આપ્યા. ખુદના જીવનની આહુતિ આપી આઝાદીની મશાલ ઝળહળતી રાખી. આઝાદીનો સુરજ નિહાળવા સદભાગી રહેલા એ વીર ચહેરાઓએ કોઈ સ્વાર્થ વગર આપણને આજે એક વિકસિત ભારતના નાગરિક તરીકે જીવવાની ખુમારી આપી છે. તેઓ અને તેના પરિવારને આજે પણ આપણે સલામ કરીએ છીએ. આજના સ્વતંત્રતા પર્વમાં દેશના સપુતોને યાદ કરીને એમના ઋણને સ્વીકારવાનો સમય છે.દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવા એમણે આપેલા અકલ્પનીય બલિદાનને આજની પેઢીએ ક્યારેય ભૂલવું ન જોઈએ. તો આવો.... આજે સૌ સાહસવીરોને શત શત નમન કરીએ.
સૌરાષ્ટ્ર એ સંત, શુરા અને સ્વતંત્રતા સેનનીઓની ભૂમિ બની રહી છે. આજે ૭૮ મા સ્વાતંત્ર્ય દિને જેઓ હયાત નથી તેમની પૂણ્ય સ્મૃતિની યશગાથા ગાઈએ અને જેઓ આજે સદેહે વિદ્યમાન છે તેઓના ચરણોમાં વંદન કરીએ.
સૌરાષ્ટ્રના સ્વાતંત્ર સેનાનીના પરિવારની વિગતો જોઈએ તો જૂનાગઢ જિલ્લાના મેંદરડાના વતની એવા શ્રી મનુભાઈ જગજીવનદાસ વિઠ્ઠલાણી તથા શ્રી મંગળાબેન મનુભાઈ વિઠ્ઠલાણી, રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાનાશ્રી ધીરજલાલ લક્ષ્મીશંકર રાવલ અને શ્રી જસુમતીબેન ડી. રાવલ, સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર ગણાતા રાજકોટના શ્રી મોહનલાલ ભગવાનજી ટાંક, તથા ત્રણ પેઢીથી પોતાના જીવનને દેશ માટે સમર્પિત કરનાર શ્રી ભોગીલાલ ધીરજરામ લાલા, શ્રી અર્જુનલાલ ભોગીલાલ લાલા અને શ્રી ભુપેન્દ્ર અર્જુનલાલ લાલા, "હરહંમેશ કચ્છી માડુ"ની કહેવતને સાર્થક કરતા શ્રી વાલજીભાઈ કરશનજી ઠક્કર, આઝાદ હિન્દ ફોજના સેનાની શ્રી છગનભાઈ રવજીભાઈ કટારીયા, કબા ગાંધીનો ડેલો અને રાષ્ટ્રીય શાળાના પૂર્વ સંચાલકશ્રી છબીલભાઈ લાખાણી, રાજકોટના સર્વેશ્રીઓ શ્રી નરોતમદાસ ત્રિભોવનદાસ અનારકટ, શ્રી લાભુબેન ઠક્કર, શ્રી દયાળજીભાઈ જમનાદાસ ગરાચ, શ્રી શાંતાબેન દયાળજીભાઈ ગરાચ, શ્રી જયંતિલાલ વાલજીભાઈ પંડ્યા, શ્રી રતિલાલ અમૃતલાલ શાહ, અને શ્રી ચંદનબેન રતિલાલ શાહ, શ્રી સાકરલાલ હરજીવન મહેતા, ઢેબરભાઈ સાથેની ગોંડલની લડતમાં શ્રી ભગવાનજીભાઈ ભાણજીભાઈ પટેલ, શ્રી કાંતિલાલ કરશનદાસ અઢીયા, શ્રી નિર્મળાબેન કાંતિલાલ અઢિયા, શ્રી નગીનલાલ ભાઈજીદાસ ઠક્કર, શ્રી વાલજીભાઈ ઠાકરશીભાઇ નથવાણી, શ્રી નટુભાઈ રત્નેશ્વર, કાંતિલાલ મૂળશંકર મહેતા અને શ્રી મનહર પી. દવે સહિતના વીરોએ અંગ્રેજો સામે બાથ ભીડીને દેશને ગુલામીની સાંકળોમાંથી મુક્ત કરવા અથાક પ્રયત્નો કર્યા હતા. આજે આ આઝાદ દેશના તમામ ક્ષણોના સ્વતંત્રતા પર્વ પર અને હરએક દિવસે યાદ કરીને તેઓના ઋણમાથી મુક્ત થવા યથાશક્તિ પ્રયત્નો કરીએ.