*મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાના હસ્તે રાજકોટ જિલ્લાની ૪૫૫ દીકરીઓને રૂ. ૫.૫૦ કરોડના "વ્હાલી દીકરી" યોજનાના હુકમોનું વિતરણ*
૦૦૦
*વેરાવળ ગ્રામ પંચાયત ખાતે વિવિધ લાભાર્થીઓને લાભ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો*
૦૦૦
*રાજકોટ, તા. ૧૫ ઓગસ્ટ* -
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાની અધ્યક્ષતામાં, આજે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા વેરાવળ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિવિધ મહિલા લાભાર્થીઓને લાભ-સહાય વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મંત્રી શ્રીમતિ ભાનુબહેનના હસ્તે રાજકોટ જિલ્લાની ૪૫૫ દીકરીઓને "વ્હાલી દીકરી યોજના"ના રૂપિયા ૫.૫૦ કરોડના મંજૂરી હુકમો આપવામાં આવ્યા હતા
૭૮મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે તેમજ રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ પ્રવચનમાં કહ્યું હતું કે, દીકરીઓના જન્મને વધાવવા તથા તેને પ્રોત્સાહન આપવા માટે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તથા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વ્હાલી દીકરી યોજના શરૂ કરાવી હતી. આ યોજનાના કારણે દીકરીના જન્મને પ્રોત્સાહન મળ્યું છે. આજે દીકરીઓની સંખ્યા વધી રહી છે અને દીકરા-દીકરી જન્મનો રેશિયો સમાન થતો જાય છે.
આ અવસરે વેરાવળની એક હાઈસ્કૂલની "બાલિકા પંચાયત"ની નવ દીકરીઓનું સન્માન મંત્રી શ્રીમતી ભાનુબહેનના હસ્તે કરવામાં આવ્યું હતું. વેરાવળ ગ્રામ પંચાયત તરફથી સરકારી પ્રાથમિક શાળાના ૨૪૦૦ બાળકોને મધ્યાહન ભોજન માટે ડીશ-ચમચીનો સેટ અર્પણ કરવામાં આવ્યો હતો.
આ તકે જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી ડૉ. જનકસિંહ ગોહિલે સ્વાગત પ્રવચન કરીને મહેમાનોને આવકાર્યા હતા. તેમણે કહ્યું હતું કે, "વ્હાલી દીકરી યોજના" લાભથી કોઈ દીકરી વંચિત ના થઈ જાય તેની ચિંતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરીયાએ કરી હતી. મંત્રીશ્રીના સૂચન મુજબ, રાજકોટ જિલ્લામાં જન્મેલી દીકરીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી. આજે જિલ્લાની ૪૫૫ દીકરીઓને કુલ મળીને રૂ.૫.૫૦ કરોડની સહાય આપવામાં આવી રહી છે. આ સાથે તેમણે કાર્યક્રમની રૂપરેખા પણ આપી હતી.
પ્રસંગિક પ્રવચન કરતા વેરાવળ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગની ટીમ તેમજ ગ્રામ પંચાયતની ટીમ સાથે મળીને કામ કરી રહી છે. રાજ્યના જાગૃત મંત્રીશ્રી તેમજ આઈ.સી. ડી.એસ.ના જાગૃત અધિકારીઓની જહેમતથી ગામડાના લોકો સુધી લાભ પહોંચી રહ્યા છે.
આ કાર્યક્રમમાં વેરાવળની ગ્રામ પંચાયતના સભ્યો, નાગરિકો તેમજ મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરીના સ્ટાફ તેમજ વેરાવળ ગ્રામ પંચાયતની ટીમે ખાસ્સી જહેમત ઉઠાવી હતી.