પ્રાકૃતિક ખેતીનું ગણિત - ઉત્પાદન ખર્ચમાં ૭૦% ઘટાડો સામે વેચાણ કિંમતમાં ૧૫% વધારો
*ગૌશાળા ખાતે ઉત્પાદિત ઘન જીવામૃત, જીવામૃત અને દૂધના વેચાણથી મેળવે છે પૂરક આવકઃપ્રાકૃતિક કૃષિનું સંવર્ધન*
*સાફલ્ય ગાથા – રાજકુમાર*
‘‘આ વર્ષે મેં ૯ વીઘા જમીનમાં મગફળી વાવી હતી, જેના પરિણામે મને વીઘે ૧૫ મણ મગફળીનો ફાલ મળ્યો. કુલ મળીને ૧૦૦ મણ જેટલી મગફળીના પાકના ઉતારાનું મેં જાતે પીલાણ કરાવી ૫૦ ડબ્બા તેલ તૈયાર કરાવ્યું. ડબે રૂ. ૪ હજારની વેચાણ કિંમતથી મને માત્ર મગફળીના પાકમાંથી જ રૂ. બે લાખની આવક પ્રાપ્ત થઈ ’’. આમ, આવક વધારવી હોય તો પાકનું વેલ્યુ એડિશન કરવા ખેડૂતોને પ્રેરણા પુરી પાડતા ઉપલેટાના યુવા ખેડૂત નારણભાઇ વસરા જણાવે છે.
૨૦ વીઘા જમીન ધરાવતા ઉપલેટાના યુવા ખેડૂત નારણભાઇ જનસામાન્યના આરોગ્ય અંગે ચિંતિત છે, જેની સામાજિક પ્રતિબધ્ધતાના ભાગરૂપે તેમણે વર્ષ ૨૦૧૬થી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. પોતાના મનની વાતનો અમલ કરવા માટે પ્રયોગો કરવાના શોખીન અને સાહસિક સ્વભાવના નારણભાઇએ શરૂઆતમાં પ્રાયગિક ધોરણે દિવેલા, ઘઉં, મગફળીના પાકનું વાવેતર કર્યું. અને આ પ્રયોગમાં શરૂઆતની આંશિક સફળતા બાદ પ્રાકૃતિક ખેતીનું ગણિત સમજવા માટે માત્ર ૧૦ ધોરણ ભણેલા નારણભાઇને સમજાયું કે રાસાયણિક ખેતી કરતાં આ ખેતીના ખર્ચમાં ૭૦ ટકા જેટલો ઓછો ખર્ચ થાય, ને ગુણવાન પાકની કિંમત ૧૦ થી ૧૫ ટકા વધારે મળે અને ઉત્પાદન પણ યોગ્ય મળે તો કેમ પ્રાકૃતિક ખેતી ન અપનાવવી જોઈએ ?
‘‘આત્મા’’ પ્રોજેક્ટ અંતર્ગત મોડેલ ફાર્મ ધરાવતા નારણભાઈ પૂરક આવક કેમ કરવી ? તેના પણ કીમિયા બતાવતા કહે છે કે, મારી પાસે ગૌશાળા પણ છે. જેમાં છ ગીર ગાયના રોજના સરેરાશ ૧૨ લીટર દૂધની આવક તો ખરી જ, ઉપરાંત આ ગાયના છાણમાંથી હું ઘન જીવામૃત બનાવું છું અને તેની ઉપયોગિતા ખેતીમાં પણ ખુબ સારી એવી હોઈ વર્ષે દહાડે ૧૦૦ બેગ જેટલા ઘન જીવામૃતનું વેચાણ કરું છું. એક બેગદીઠ રૂ. ૬૦૦ લેખે વર્ષે રૂ. ૬૦ હજારની કમાણી હું જીવમૃતમાંથી કરી લઉં છું.
ઘન જીવામૃતમાં બેક્ટેરિયા અને અળસિયા હોવાથી પાયાના ખાતરમાં તે ડી.એ.પી.ની જગ્યાએ પણ વાપરી શકાય છે. જેનો છંટકાવ ખેડાણ બાદ વાવણી પહેલા જમીન ફળદ્રુપ કરવામાં મદદરૂપ બને છે. તથા પ્રવાહી જીવામૃતનો તાજા છોડને છંટકાવ કરવાથી તેનો વિકાસ વધુ સુદ્રઢ થાય છે. આ બંને જીવામૃત નારણભાઇ જાતે તૈયાર કરે છે.
ટેક્નોસાવ્વિ સ્વભાવ ધરાવતા નારણભાઇ સોશિયલ મીડિયાના માધ્યમથી માલનું વેચાણ કરવા અને પ્રાકૃતિક ખેતીનો પ્રચાર-પ્રસાર કરવા યુ-ટ્યુબ ચેનલ પણ ચલાવે છે. આ વર્ષે મગફળીનું ૧૨ વીઘામાં વાવેતર કરવાનો તેમણે પ્રારંભ કરી દીધો છે. બાકીના ખેતરમાં બાગાયતી પાકો અને પશુ માટે ઘાસચારો વાવી રહ્યા છે. આ ઉપરાંત, નાના પાયા પર તેઓ બટેટા તથા અન્ય શાકભાજીનું પણ વાવેતર કરે છે. નારણભાઇની ખેતીમાંથી અન્ય ખેડૂતો પ્રેરણા લઇ શકે તે માટે તેમના ખેતરની મુલાકાત અને શિબિરનું પણ આયોજન કરવામાં આવે છે, તેમ ઉપલેટાના આત્મા પ્રોજેકટના એ.ટી.એમ. શ્રી રવિ બરોચીયાએ જણાવતાં ઉમેર્યું હતું કે ઉપલેટામાં ૪૫ થી વધુ ખેડૂતો ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી કરે છે અને ૧૦ જેટલા ખેડૂતો મોડેલ ફાર્મ ધરાવે છે.
નારણભાઇ કહે છે કે, ખેડૂત જો સ્માર્ટ વર્ક કરી વેલ્યુ એડિશન સાથે જાતે જ વેચાણ કરે તો પ્રાકૃતિક ખેતી નફાકારક સાબિત થાય છે. લોકોના આરોગ્યની ખેવના કરી આવનારી પેઢી માટે તંદુરસ્ત સમાજના નિર્માણમાં તમામ ખેડૂતોએ જાગૃત બની સહભાગી બનવા શ્રી નારણભાઇ અને તેમના જેવા ખેડૂતો લોકસેવાના પ્રહરી બન્યા છે.