પ્રાકૃતિક ખેતીથી પાક ઉત્પાદનો થકી મળે છે અનેરી મીઠાશ સાથે મબલખ કમાણી : વશરામભાઈ લુણાગરિયા

Machhu news morbi
                       *બેક ટુ નેચર*
*પ્રાકૃતિક ખેતીથી પાક ઉત્પાદનો થકી મળે છે અનેરી મીઠાશ સાથે મબલખ કમાણી : વશરામભાઈ લુણાગરિયા*
*પડધરીના સરપદડ ગામે ૨૮ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતનો પ્રકૃતિ તરફ વળવાનો સંદેશ*
*મોડેલ ફાર્મ યોજના હેઠળ ફળ-ઝાડ વાવેતર માટે રૂ. ૧૩,૫૦૦ ઉપરાંત ગૌવંશ નિભાવ માટે મળે છે મહિને રૂ. ૯૦૦ની સહાય*
"રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના સરપદડ ગામમાં મારી પાસે ૨૮ વીઘા જેટલી ખેતીની જમીન છે. વર્ષ ૨૦૦૯થી પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરું છું. ખેતપેદાશની ગુણવત્તા સુધારવા અને જમીનને ઉપજાઉ બનાવવામાં પ્રાકૃતિક ખેતીનો ફાળો અમૂલ્ય રહ્યો છે.” – આ શબ્દો છે શ્રી વશરામભાઈ લુણાગરિયાના.  'પ્રકૃતિ સંગાથે પ્રગતિ'માં માનતા શ્રી વશરામભાઈ છેલ્લા ૧૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. તેઓ કહે છે કે, “ધીરે-ધીરે જાતપ્રયોગોથી અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ તાલીમ લઈને મગફળી, મરચી, મકાઈ, તુવેર, સુરજમુખી, ઘઉં, ચણા, મેથી, રાય, ધાણા, જીરુ જેવા પાકોનું વાવેતર કરું છું. પ્રાકૃતિક ખેતીથી પાક ઉત્પાદનોમાં આવે છે અનેરી મિઠાશ સાથે મબલખ કમાણી પણ થાય છે. ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા તાલીમ પણ આપું છું. એક વર્ષમાં એક વીઘામાં અંદાજે રૂ. ૨૫ હજારનો નફો થાય છે એટલે કે વર્ષે આશરે રૂ. સાત લાખ જેટલી આવક સરળતાથી મળી રહે છે." 
ખેડૂતોના કલ્યાણ માટે, લોકોના સ્વાસ્થ્ય માટે, ધરતી માતા અને ગૌ-માતાના સંરક્ષણ માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અનિવાર્ય છે. જેને ધ્યાનમાં રાખીને દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધે તે માટે 'બેક ટુ નેચર'નો મંત્ર આપ્યો છે. ગુજરાત રાજ્ય સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિ કરતું રાજ્ય બને એ દિશામાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ સતત ચિંતા સેવીને માર્ગદર્શન આપી રહ્યા છે. ત્યારે શ્રી વશરામભાઈ કૃતજ્ઞતા ભાવે કહે છે કે એક વીઘામાં મોડેલ ફાર્મ યોજના હેઠળ ફળઝાડના વાવેતર માટે રૂ. ૧૩,૫૦૦ની સહાય સરકાર તરફથી મળેલી છે. એટલું જ નહીં, હાલમાં મારી પાસે ત્રણ ગૌવંશ છે, જેના નિભાવ માટે માસિક રૂ. ૯૦૦ની આર્થિક સહાય પણ સરકાર કરે છે, જે બદલ ગુજરાત સરકારનો આભારી છું. 
આ સાથે તેઓ ખેડૂત બંધુઓને ખાસ સંદેશ આપવા માંગે છે કે મારા માટે પ્રાકૃતિક કૃષિ એટલે જાણે જીવાત્માનું કલ્યાણ છે. પ્રાકૃતિક ખેતી ગૌમાતા થકી જ શક્ય છે. આથી, ખેડૂતો ગૌવંશ નિભાવે અને પ્રાકૃતિક કૃષિ અપનાવે. પ્રાકૃતિક કૃષિ કરવાથી ઉત્પાદન ગુણવત્તાયુક્ત બન્યું છે, ભાવ પણ વધુ મળે છે. તેની સાથસાથે નિંદામણ, જીવામૃત વગેરેનો ખર્ચ થાય છે, જે રસાયણિક ખેતીની તુલનામાં નજીવો છે. ત્યારે રસાયણિક ખેતીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધરતીપુત્રો પરિવાર સમાન ગ્રાહકો માટે નુકસાનકારક ખાતર વાપરવાનું બંધ કરે, તેવી મારી લાગણી છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !