મકાન ભાડે આપતા અગાઉ સંપૂર્ણ વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા સૂચના
*રાજકોટ તા. ૦૬ જુલાઈ -* રાજકોટ જિલ્લાના વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી, જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા તથા મકાન ભાડે રાખીને રહેતા અસામાજિક તત્વોની અનિચ્છનીય પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં મકાનો અને ઔદ્યોગિક એકમો ભાડે આપતા માલિકો, સંચાલકો માટે રાજકોટ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી.એ.ગાંધીએ પ્રતિબંધાત્મક હુકમો જાહેર કર્યા છે.
જે મુજબ ઔદ્યોગિક એકમો, મકાનોના માલિકો અને ભાડુઆતોએ નિયત કરેલા પત્રકમાં સંપૂર્ણ વિગતો ભરીને બે નકલ કાઢીને એક નકલ પોલીસ સ્ટેશનમાંથી સહી-સિક્કા કરી આપવા જે સાથે મકાન ભાડે રાખનારનું ડ્રાઈવીંગ લાઇસન્સ,પાન કાર્ડ, ઈલેક્શન કાર્ડ, કંપનીનો લેટર પેડ સહિતના દસ્તોવેજો રજુ કરવાના રહેશે. નિયત કરેલા પત્રકમાં રૂ.૧૦૦ના સ્ટેમ્પ પેપર ઉપર ભાડાના એગ્રીમેન્ટની નોટરી કરેલ કોપી નકલ સાથે રાખવાની રહેશે. મિલકત ખાલી કરવામાં આવે ત્યારે મકાન માલિક અને ભાડૂઆતે પોલીસ સ્ટેશનને જાણ કરવી તેમજ અંગુઠાનું નિશાન અને સહીઓ પોલીસ સ્ટેશનમાં જવાબદાર અધિકારીને રૂબરૂ રજુ કરવાના રહેશે. આ હુકમ તા. ૩૧/૦૮/૨૦૨૪ સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.