ચોટીલા ખાતે વડીલો માટે યોજાયો 'નિઃશુલ્ક જિરીયાટ્રીક કેમ્પ'
*૮૫ લાભાર્થીઓને જરા ચિકિત્સાનો લાભ, ૮૫ લાભાર્થીઓને ઉકાળાનું વિતરણ, ૫૫ જેટલાં લાભાર્થીઓએ સ્વસ્થવૃત શિબિરનો લાભ મેળવ્યો*
સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા તાલુકામાં સરકારી આયુર્વેદ દવાખાનું - કાળાસર, તા.ચોટીલા દ્વારા જુનાં સરકારી રેસ્ટ હાઉસ ખાતે વડીલો માટે નિઃશુલ્ક જિરીયાટ્રીક કેમ્પ યોજવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં વડીલોને બી.પી., ડાયાબીટીસ, સાંધાના દુ:ખાવાની સારવાર, હૃદય રોગ સંબંધિત સારવાર, શ્વસનતંત્ર તથા પાચનતંત્રને લગતા રોગોની સારવાર, મૂત્રરોગની સારવાર, ચામડીને લગતા રોગોની સારવાર, અનિંદ્રા, કબજીયાત, અશક્તની સારવાર, ચેતાતંત્રને લગતા રોગોની સારવાર તેમજ આહાર-વિહાર, યોગ, દિનચર્યા, ઋતુચર્યા તથા રસોડામાં વપરાતી ઔષધીઓના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ નિઃશુલ્ક આયુર્વેદ જરા ચિકિત્સા કેમ્પ (જિરીયાટ્રીક કેમ્પ)માં ૮૫ લાભાર્થીઓને જરા ચિકિત્સાનો લાભ આપવામાં આવ્યો હતો. તેમજ ૮૫ લાભાર્થીઓને ઉકાળાનું વિતરણ કરાયું હતું. ૫૫ જેટલાં લાભાર્થીઓએ સ્વસ્થવૃત શિબિરનો લાભ મેળવ્યો હતો. ફિમેલ યોગ ઇન્સ્ટ્રક્ટર પુનીબેન ખટાણાએ ૪૦ જેટલા યોગ લાભાર્થી ઓને યોગ કરાવ્યા હતા. આ કેમ્પમાં ડૉ.કલ્પનાબેન એલ.ગોહિલ, મેડીકલ ઓફિસર, કાળાસર તેમજ ડૉ.માધવીબેન આર.અગ્રાવત, મેડીકલ ઓફિસર, ધજાળા દ્વારા સેવા આપી કેમ્પનું સફળ બનાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ કેમ્પનું આયોજન નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી, જિલ્લા પંચાયત સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ તથા નિવૃત કર્મચારી મંડળ ચોટીલા, S.B.I.-ચોટીલા શાખા, સરકારી આયુર્વેદ દવાખાના ધજાળાનાં સહયોગથી કરવામાં આવ્યું હતું.