લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪
૦૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં મતગણતરી અન્વયે કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટની જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ*
*તાલીમાર્થીઓને મતગણતરી સમયે સોંપવામા આવેલ કામગીરી તથા જવાબદારીઓ સુપેરે પાર પાડી શકે તે માટે જરૂરી માર્ગદર્શન સાથે પ્રોત્સાહન પૂરું પાડતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે. સી. સંપટ*
૦૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં મતગણતરી પ્રક્રિયા માટે નિયુક્ત કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટની જિલ્લા કક્ષાની તાલીમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કે.સી.સંપટની અધ્યક્ષતામાં મેડિકલ હોલ, વઢવાણ જી.આઈ.ડી.સી. ખાતે યોજાઈ હતી.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી કે.સી.સંપટે મતગણતરી પ્રક્રીયા શાંતિપૂર્ણ માહોલમાં સુચારૂ રીતે પરીપૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. તાલીમાર્થીઓને મતગણતરી સમયે સોંપવામા આવેલ કામગીરી તથા જવાબદારીઓ સુપેરે પાર પાડી શકે તે માટે જરૂરી માર્ગદર્શન સાથે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ ચૂંટણી પંચની સૂચના અનુસાર મતગણતરી કેન્દ્ર ખાતે મોબાઈલ ફોન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાથી કોઈપણ વ્યક્તિઓએ મોબાઈલ ફોન કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ સાથે ન લાવવા માટે સૂચિત કર્યું હતું.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અર્જુન ચાવડાએ મતગણતરીમાં રોકાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને મતગણતરી સંબંધિત જરૂરી જાણકારી, માર્ગદર્શન અને સુચનોથી વાકેફ કર્યા હતા. તેમજ મતગણતરીની કામગીરીમાં નિમણૂક પામેલા અધિકારીઓ તેમજ કર્મચારીઓને મતગણતરીના દિવસે સવારે ૫.૦૦ કલાકે મતગણતરી કેન્દ્ર ખાતે હાજર રહેવા જણાવ્યું હતું. તેમજ પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનનાં માધ્યમથી મતગણતરી કેન્દ્ર ખાતે કઈ વિધાનસભાની મતગણતરી ક્યાં રૂમમાં થશે, પાર્કિંગ, જમવાની વ્યવસ્થા સહિત જરૂરી જાણકારી આપી હતી.
ધાંગધ્રા પ્રાંત અધિકારીશ્રી અને જિલ્લાના માસ્ટર ટ્રેનરશ્રી હર્ષદિપ આચાર્યએ મતગણતરી વખતે રાખવાની થતી જરૂરી સાવધાની, ઈ.વી.એમ. કાઉન્ટીંગ, પોસ્ટલ બેલેટ કાઉન્ટિંગ તેમજ ગણતરી સમયે ભરવાના થતાં જરૂરી ફોર્મની વિગતવાર સમજૂતી આપી હતી. તેમજ કાઉન્ટીંગ પ્રક્રિયાનાં લાઈવ નિદર્શન થકી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમમાં નિવાસી અધિક કલેકટરશ્રી આર.કે.ઓઝા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અર્જુન ચાવડા સહિત મદદનીશ ચૂંટણી અધિકારીઓ તેમજ કાઉન્ટીંગ સુપરવાઈઝર, કાઉન્ટીંગ આસિસ્ટન્ટ, ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આગામી તા.૦૪ જુનના રોજ ૦૯- સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ સાતેય વિધાનસભાની મતગણતરી એમ.પી. શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, સુરેન્દ્રનગર ખાતે હાથ ધરવામાં આવશે. જેમાં સૌપ્રથમ પોસ્ટલ બેલેટના મત ગણવામાં આવશે ત્યારબાદ ઈ.વી.એમ. ના મતની ગણતરી કરવામાં આવશે. મતગણતરીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.સી.સંપટનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર મતગણતરી માટે સજ્જ બન્યું છે.
૦૦૦૦૦