વાંકાનેર ગેરકાયદેસર ટોલનાકા મામલે ફેક્ટરી સંચાલક સહિતના પાંચ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
વાંકાનેરમાં ગેરકાયદેસર ટોલનાકાનો પર્દાફાશ થયા બાદ પોલીસ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી છે સમગ્ર બનાવ મામલે પોલીસે જાતે ફરિયાદી બની પાંચ આરોપીઓના નામજોગ અને તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે
વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ પરમારે આરોપીઓ અમરશીભાઈ જેરામભાઈ પાટલે રહે વ્હાઈટ હાઉસ સિરામિક વઘાસીયા તા. વાંકાનેર તેમજ રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા રહે ચારેય વઘાસીયા તા. વાંકાનેર અને તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનની હદમાં વઘાસીયા ટોલપ્લાઝા આવેલ છે જેનો કોન્ટ્રાકટ બામણબોર ટોલવેઝ પ્રા. લી. પાસે તા. ૨૬-૦૪-૨૦૧૮ થી છે જે ટોલ પ્લાઝાનો સિક્યુરીટી કોન્ટ્રાકટર ટી.બી.આર.ઇન્ફ્રા હૈદરાબાદ પાસે તા. ૦૮-૧૨-૨૦૨૨૧ થી છે.
જે ટોલપ્લાઝા કેન્દ્ર સરકાર તરફથી કાર્યરત કરવામાં આવ્યો છે અને અહીંથી પસાર થતા ફોર વ્હીલ કારના રૂ ૧૧૦ તેમજ નાના ટ્રક-બસના રૂ ૩૮૦ અને મોટા વાહનના રૂ ૫૯૫ લેખે ટોલ લેવામાં આવે છે જે ટોલપ્લાઝાની બાજુમાં પૂર્વ દિશાએ અમરશીભાઈ જેરામભાઈ પટેલનું વ્હાઈટ હાઉસ સિરામિક નામથી ટાઈલ્સ બનાવવા માટેનું કારખાનું આવેલ છે જે કારખાનું આર્થિક મંદીના કારણે આશરે દોઢેક વર્ષથી બંધ થઇ ગયેલ હોય અને અમરશીભાઈને ઢુવા મુકામે બીજું જેટ સિરામિક નામથી ટાઈલ્સ બનવાનું કારખાનું આવેલ છે છેલ્લા કેટલાક સમયથી વ્હાઈટ હાઉસ સિરામિકના શેઠ અમરશીભાઈ પટેલ અને વઘાસીયા ગામના રવિરાજસિંહ, હરવિજયસિંહ તેમજ તેના મળતિયાઓ દ્વારા વ્હાઈટ હાઉસ સિરામિકમાં મોરબી તરફની દીવાલમાં એક દરવાજો બનાવી તેમજ વાંકાનેર તરફની દીવાલમાં બીજો દરવાજો એવી રીતે બનાવેલ છે.જેથી કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત વઘાસીયા ટોલનાકું બાયપાસ થઇ જાય અને વાહનો ટોલનાકાની જગ્યાએ વ્હાઈટ હાઉસ સિરામિકમાં પોતે બનાવેલ રસ્તા પર બળજબરીથી લઇ જઈને લોકો પોતે પોતાની મરજી મુજબ ટોલપ્લાઝા દ્વારા નિયત કરેલ દર કરતા ઓછો ટોલ ઉઘરાવી વાહનોને સિરામિકમાંથી બાયપાસ કરાવી સરકારના ટોલનાકા પર ટોલ ઉઘરાવવાની સત્તા ધરાવતી બામણબોર ટોલવેઝ પ્રા. લી. ને આર્થિક નુકશાન પહોંચાડી આરોપીઓ કોઈપણ જાતની સત્તા કે અધિકાર વિના ગેરકાયદેસર રીતે વાહનો પસાર કરાવી આર્થિક લાભ મેળવે છે તેમજ ટોલપ્લાઝાની પશ્ચિમ દિશાએ નવા વઘાસીયા ગામ આવેલ છે જે ગામ પહેલા વાંકાનેર તરફથી નવા વઘાસીયા ગામ વચ્ચેથી પસાર થઇ મોરબી તરફ જવા માટેની રેલ્વે લાઈન આવેલ છે જે રેલ્વે લાઈન ઉપર બે રેલ્વે ફાટકો આવેલ છે જેમાં એક ફાટક ટોલનાકા પહેલા અને બીજું ફાટક ટોલનાકા પછી આવે છે
જે ટોલનાકા પહેલા આવેલ ફાટકમાંથી નીકળી નવા વઘાસીયા ગામમાં થઇ બીજી ફાટકમાંથી નીકળતા વઘાસીયા ટોલપ્લાઝા બાયપાસ થઇ જાય છે જેથી બંને ફાટકોનો ઉપયોગ કરી નવા વઘાસીયા ગામના ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેના ભાઈ યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા તેના મળતિયા માણસો દ્વારા વાહનોને ટોલપ્લાઝા પહેલાથી બળજબરીથી પહેલા ફાટકથી પસાર કરાવી નવા વઘાસીયા ગામમાં થઈને બીજી ફાટકથી બહાર કઢાવી ટોલ પ્લાઝાને બાયપાસ કરાવવામાં આવતો હતો આમ આરોપીઓએ પોતાના આર્થિક લાભ માટે કોઈપણ સત્તા કે અધિકાર વિના ગેરકાયદેસર રીતે હાઈવે પરથી પસાર થતા વાહનોને ટોલ પ્લાઝા બાયપાસ કરાવી કોઈપણ જાતની પહોંચ વગર ટોલ ઉઘરાવી છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.