જામનગર જિલ્લાના ખેડૂત મિત્રો માટે કમોસમી વરસાદને પગલે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરાઈ.
જામનગર તા.02 ડિસેમ્બર,* હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને આગામી તા.03 ડિસેમ્બરથી 04 ડિસેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં પવન સાથે છુટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં અત્રે તકેદારીના પગલા લેવા માટે જામનગર જિલ્લાના ખેડુતોને સંદેશો આપવામાં આવે છે.
(1) કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક કે ખેતરમાં કાપણી કરેલા પાક જો ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી જોઈએ.
(2) ખેત પેદાશોને પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા, અને ખેત પેદાશોના ઢગલાની ફરતે માટીનો પાળો બનાવીને તેમાં વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું જોઈએ.
(3) જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો જોઈએ.
(4) ખાતર અને બિયારણના વિક્રેતાઓએ ખેત પેદાશનો જથ્થો પલળે નહીં, તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા જોઈએ.
(5) એ.પી.એમ.સી.માં વેપારી મિત્રો અને ખેડુત મિત્રોએ ખાસ કાળજી રાખીને આગોતરા સાવચતીના પગલા લેવા માટે અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા જોઈએ.
(6) એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી જોઈએ, અથવા સુરક્ષિત રાખવા જોઈએ. આ અંગે વધુ જાણકારી મેળવવા માટે ખેડૂત મિત્રોએ તેમના સંબંધિત વિસ્તારના ગ્રામસેવકશ્રી/ વિસ્તરણ અધિકારીશ્રી/ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી /મદદનીશ ખેતી નિયામકશ્રી (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી/ નાયબ ખેતી નિયામકશ્રી (તાલીમ)/ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર– ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક સાધી શકશે. તેમ, મદદનીશ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ), તાલીમ મુલાકાત યોજના, પેટા વિભાગ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.