રાજકોટ ગ્રામ્યપંથકમાં પાક પાયમાલ થતા ખેડૂતો ચિંતાતુર, સરકારને કરી સહાયની માગ.

Unknown
મેઘો બન્યો મૂશળધાર કમોસમી વરસાદથી ખેતીને નુકસાન ખેડૂતોની સરકારને સહાયની માગણી.
રાજકોટના : ગ્રામ્ય પંથકમાં આજે સવારથી જ મેઘો મૂશળધાર બનીને વરસ્યો હતો. કમોસમી માવઠાની આગાહીના પગલે આજે ગુજરાતના અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. પરંતુ રાજકોટના ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદે ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. કપાસ અને એરંડાના તૈયાર પાકને નુકસાન પહોંચતા ખેડૂતોએ સરકારને સહાયની માગણી કરી છે.
માહિતી પ્રમાણે રાજકોટના ગ્રામ્ય પંથકમાં વાવાઝોડાની જેમ આજે ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. આણંદપર, કોઠારીયા, બાઘી, નારણકામાં પાકને મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ સિવાય પીપળીયા, ડુંગરકા, બેડી અને હડાળા ગામે પણ વરસાદ ખેડૂતો માટે વિલન બન્યો હતો અને ધરતીપુત્રોની 3થી 4 મહિનાની મહેનતને બગાડી નાખી હતી. વરસાદ ખાબકતા ખેતીનો ઉભેલો પાક નાશ પામ્યો છે. જેના લીધે ખેડૂતોએ સરકારને સહાય આપવાની માગણી કરી છે.
આ મામલે જાણકારી પ્રમાણે એરંડા, કપાસ, તુવેર અને ચણાના પાકમાં મોટું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ રહી છે. ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબકતાં ખેતરમાં ઉભેલો મોલ નાશ પામ્યો હતો. હજારો વીઘા જમીનમાં તેની અસર જોવાઈ હતી અને આ તમામ જમીનમાં ઉભેલા પાકને નુકસાન થયું હતું. ખાસ કરીને ઘણાં ખેડૂતોનો કપાસ અને એરંડાનો પાક નિષ્ફળ જતાં ખેડૂતો માથે જાણે કે સંકટના વાદળો ઘેરાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, આવી સ્થિતિમાં ખેડૂતોએ સરકારને તાત્કાલિક અસરથી સર્વે કરી પાકવળતરની સહાય જાહેર કરવાની માગણી કરી છે.
મહત્વનું છે કે રાજ્યમાં 25 થી 27 નવેમ્બર સુધી વરસાદી માવઠાની આગાહી કરવામાં આવી હતી, જે આગાહીના પગલે આજે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને ગાજવીજ તેમજ કરા સાથે વરસાદ ખાબક્યો હતો. જેના લીધે ખેતરોમાં પાણી ભરાતા પાકને પણ નુકસાન પહોંચ્યું હતું અને ખેડૂતોએ સરકાર પાસે સહાયની માગણી કરી હતી. રાજ્યમાં હજુ પણ વરસાદી માહોલ રહેવાની આગાહી છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !