ભારતીય સૈન્ય દળની પરીક્ષામાં ઝાલાવાડનો ડંકો

Machhu news morbi
*ભારતીય સૈન્ય દળની પરીક્ષામાં ઝાલાવાડનો ડંકો*

*પ્રેરણારૂપ: સમગ્ર ભારતમાં સૈન્ય દળમાં ભરતી માટે લેવાતી NDAની પરીક્ષામાં આઠમું સ્થાન મેળવી ઝાલાવાડનું ગૌરવ વધારતા માધવેન્દ્રસિંહ જાડેજા*

*આર્મીમાં જોડાવાનું સ્વપ્ન સિદ્ધ કરવા માટે પ્રાથમિક અભ્યાસની સાથે જ શરૂ કરી હતી તૈયારીઓ* 

 *માધવેન્દ્રસિંહ જાડેજા હાલ ખડકવાસલા ખાતે નેશનલ ડિફેન્સ એકેડેમી(NDA)માં લઈ રહ્યા છે ટ્રેનિંગ* 

*સાફલ્ય ગાથા:- ભાવિકા લીંબાસીયા*
ગુજરાતની સાથે સમગ્ર ઝાલાવાડ માટે એક ગૌરવવંતા સમાચાર છે. તાજેતરમાં જ ભારતીય સૈન્ય દળની પરીક્ષામાં સુરેન્દ્રનગરના માધવેન્દ્રસિંહ જાડેજાએ ઝાલાવાડનો ડંકો વગાડી દીધો છે. ભારતીય સૈન્ય દળોમાં અધિકારી કક્ષાએ ભરતી થવા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-UPSC દ્વારા લેવામાં આવતી પરીક્ષામાં માધવેન્દ્રસિંહ જાડેજાએ સમગ્ર ભારતમાં આઠમાં ક્રમાંકે ઉતીર્ણ થઈને ગુજરાતની સાથે-સાથે ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે. 

સામાન્ય રીતે જોઈએ તો, ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ ઇન્ડિયન આર્મીમાં ઓછું રહ્યું છે. ત્યારે મૂળ સુરેન્દ્રનગરનાં વતની એવા ૧૭ વર્ષીય યુવક શ્રી માધવેન્દ્રસિંહ કવિન્દ્રસિંહ જાડેજાએ ધો.૧૨ પછી લેવાતી નેશનલ ડિફેન્સ એકેડેમી(NDA)ની પરીક્ષામાં ઉતિર્ણ થઈ પરિવારની સાથે દેશનું નામ પણ ગૌરવભેર રોશન કર્યું છે.

માધવેન્દ્રસિંહ જાડેજાનાં પિતાશ્રી કવિન્દ્રસિંહ જાડેજા હાલ અમરેલી જિલ્લામાં એડિશનલ કલેકટર તરીકે ફરજ બજાવે છે. તેઓ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, માધવેન્દ્રસિંહ પહેલેથી જ આર્મીમાં જોડાવા ઈચ્છતા હતા. માધવેન્દ્રસિંહના શૈક્ષણિક અભ્યાસની વાત કરતાં વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, ધો.૦૬ અને ૭નો અભ્યાસ બાલાચડી સૈનિક સ્કુલમાં કર્યો હતો. ત્યારબાદ સરંક્ષણ મંત્રાલય અંતર્ગત આવતી દેહરાદુનની ‘રાષ્ટ્રીય ઈન્ડિયન મિલેટરી કોલેજ – RIMC’માં અભ્યાસ માટે લેવામાં આવતી ‘પ્રવેશ પરીક્ષા’ પાસ કરી ધો.૦૮ થી ૧૨નો સુધીનો અભ્યાસક્રમ ત્યાં પૂર્ણ કર્યો. બાદમાં ભારતીય સૈન્ય દળોમાં અધિકારી કક્ષાએ 'પરમેનન્ટ કમિશન'થી ભરતી થવા માટે યુનિયન પબ્લિક સર્વિસ-UPSC દ્વારા લેવાતી NDAની પરીક્ષામાં વર્ષ ૨૦૨૩માં ફોર્મ ભર્યું હતું. જેમાં તમામ પરીક્ષાઓ અને ઈન્ટરવ્યુ પાસ કરીને હાલ જુન- ૨૦૨૪માં જોઈનીંગ ઓર્ડર મેળવી NDA માં હાજર થયા છે. હાલ તેઓ ખડગવાસલા ખાતે નેશનલ ડિફેન્સ એકેડેમી(NDA)ની ટ્રેનિંગ લઈ રહ્યા છે. ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ તેઓ ‘લેફ્ટનન્ટ’ તરીકે ભારતીય સૈન્યમાં જોડાશે. 

ઉલ્લેખનીય છે કે, કઠીન પરીક્ષાઓમાંની એક એવી આ પરીક્ષા ‘સર્વિસ સિલેક્શન બોર્ડ’ની મદદથી આર્મી, નેવી અને એરફોર્સ માટે વર્ષમાં બે વાર લેવામાં આવે છે. ધો. ૧૨ પછી તરત જ આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓને ટ્રેનિંગની સાથે સાથે નક્કી કરેલ ફિલ્ડ મુજબ (P.C.M. - ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ)ના વિષયો સાથે ગ્રેજ્યુએશનનો અભ્યાસ પણ કરાવવામાં આવે છે. લેખિતમાં પરીક્ષામાં ઉતિર્ણ થયા બાદ ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પાસ કરવાનું હોય છે. 

*પાંચ દિવસ લેવામાં આવતા સૌથી અઘરા ઈન્ટરવ્યુ:-*
નેશનલ ડીફેન્સ એકેડમી અને નેવલ એકેડેમી દ્વારા દર વર્ષે પરમેનન્ટ કમિશન માટે ધો.૧૨નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા ૧૬.૫ વર્ષથી ૧૯ વર્ષનાં યુવાઓ પાસેથી અરજી મંગાવવામાં આવે છે. ગ્રેજ્યુએટ યુવાઓ પણ આ પરીક્ષા પાસ કરી શકે છે. NDA ની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવે છે.૧) લેખિત પરીક્ષા - ૯૦૦ માર્કસ અને સર્વિસ સિલેક્શન બોર્ડ (એસ.એસ.બી.) ઈન્ટરવ્યુ - ૯૦૦ માર્કસ. લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોના બે સ્ટેજમાં ઈન્ટરવ્યુ લેવામાં આવે છે. જેમાં પ્રાથમિક સ્ક્રીનિંગ થયા બાદ ૯૦૦ માર્ક્સની સઘન ટેસ્ટ અને ઈન્ટરવ્યુ યોજાય છે. જેમાં ગ્રુપ, સાયકોલોજીકલ, મેન્ટલ, ફિઝિકલ, આઇક્યુ, ઇક્યુ,  ઈનિશિયેટીવ, ઇએક્શન, લીડરશિપ વગેરેને લઇને જુદી-જુદી ટેસ્ટ યોજવામાં આવે છે. આ સાથે પર્સનલ- ગ્રુપ ઈન્ટરવ્યુ પણ થાય છે. આમ, લેખિત પરીક્ષા, કઠીન ઈન્ટરવ્યુ, શારીરિક કસોટીઓ, મેડીકલ ચેકઅપ સહિતની જરૂરી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ નક્કી કરેલી સીટ મુજબ ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. જેમાં ગુજરાતના માધવેન્દ્રસિંહે સમગ્ર ભારતમાં આઠમું સ્થાન મેળવ્યું છે.

*ગુજરાતના યુવાઓ માટે પ્રેરણારૂપ:-*
કહેવાય છે કે, 'સિધ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય'. નાનપણથી જ આર્મીમાં જોડાવાનું સપનું સેવ્યું, અને તેને પરિપૂર્ણ કરવા માટે પ્રાથમિક અભ્યાસની સાથે જ આર્મીની પરીક્ષાઓ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. સખત મહેનતની ફલશ્રુતિ રૂપ માધવેન્દ્રસિંહ આ સિદ્ધિ હાંસલ કરનારા ઝાલાવાડના પ્રથમ યુવાન બન્યા છે. આર્મી, નેવી, એરફોર્સમાં જોડાવા માંગતા તમામ યુવાઓ માટે પ્રેરણારૂપ માધવેન્દ્રસિંહનું માનવું છે કે, "આયોજનબદ્ધ તૈયારી અને લક્ષ્ય સિદ્ધ કરવા માટે પૂરતી મહેનત કરવામાં આવે તો લક્ષ્ય સુધી ચોક્કસ પહોંચી શકાય છે."
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !